wanagman - Lokgeeto | RekhtaGujarati

વનગમન

wanagman

વનગમન

રામને લખમણ બેઈ ભાઈ વન સધાર્યા.

થે સીતાજીનો સાથ રે,

શ્રીરામે ગાદી ભરતજીને સોંપી.

નગરીના લોકો સહુ વળાવા આવ્યા,

નગરીના લોકો તમે પાછેરા વળજો,

અમારી માતાને હરમત દેજો,

શ્રીરામે ગાદી ભરતજીને સોંપી.

શિવને સુમંત બેઉ ભાઈ વળાવા આવ્યા,

શિવને સુમંત બેઉ ભાઈ પાછેરા વળજો,

આમારા બાપુને હરમત દેજો,

શ્રીરામે ગાદી ભરતજીને સોંપી.

વનમાં તે જઈને રામ શું કામ કરશો?

વનમાં તે જઈને માતા મઢી બનાવશું,

મઢીની ફરતાં ફેરા લેશું.

શ્રીરામે ગાદી ભરતજીને સોંપી.

મઢીની ફરતાં સીતા ફૂલવાડી રોપે,

ચંપો ચમેલી સીતા નતતન વાવે,

વાવે છે દાડમડીના છોડ રે,

શ્રીરામે ગાદી ભરતજીને સોંપી.

થાળી ભરીને સીતા વનફળ લઈ આવ્યાં,

તમારા લાવેલ અમે માથે ચડાવીએ,

એકલા દુઃખી થઈને લાવ્યાં,

શ્રીરામે ગાદી ભરતજીને સોંપી.

(કંઠસ્થઃ જીવીબહેન બાબુભાઈ ચૌહાણ, શહોર)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતનાં લોકગીતો (પૃષ્ઠ ક્રમાંક 164)
  • સંપાદક : ખોડીદાસ પરમાર
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2018
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ