sitawelna wiwah - Lokgeeto | RekhtaGujarati

સીતાવેલના વિવાહ

sitawelna wiwah

સીતાવેલના વિવાહ

સોનારૂપાનાં છે પાવડાં રે, હીરલા કોદાળી છે હાથ,

શોભા શ્રીરામની રે.

રામ ખોદે છે તળાવડી રે, લખમણ બાંધે છે પાળ,

શોભા શ્રીરામની રે.

ખોદી ગંગા ને ખોદી ગોમતી રે, બાંધી છે સરવર પાળ,

શોભા શ્રીરામની રે.

ગંગાની માટી ચીકણી રે, બેડલાં લપટી જાય,

શોભા શ્રીરામની રે.

રાજા જનકની કુંવરી રે, સીતા પાણીડાંની હાર,

શોભા શ્રીરામની રે.

પાળે ચડીને રામે પૂછીયું રે, પરણી કે બાળકુંવર?

શોભા શ્રીરામની રે.

કોણ રસરાયની બેટડી રે, કોણ તમારલા નામ,

શોભા શ્રીરામની રે.

જનરક રાયની બેટડી રે, સીતા બાળકુંવર,

શોભા શ્રીરામની રે.

કોણ રસરાયનો બેટડો રે, શું છે પિતાનું નામ,

શોભા શ્રીરામની રે.

દશરથ રાયનો બેટડો રે, રામચંદ્ર મારલું નામ,

શોભા શ્રીરામની રે.

આભનો તે રોપ્યો માંડવો રે, ધરતીના ઢાળ્યા બાજોઠ,

શોભા શ્રીરામની રે.

વીજળીની વરમાળા રોપીયું, જનરક દે છે કન્યાદાન,

શોભા શ્રીરામની રે.

હરિએ હથેવાળો મેળિયો રે, પરણ્યા કઈ સીતા ને શ્રીરામ,

શોભા શ્રીરામની રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતનાં લોકગીતો (પૃષ્ઠ ક્રમાંક 159)
  • સંપાદક : ખોડીદાસ પરમાર
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2018
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ