shokya paronlan - Lokgeeto | RekhtaGujarati

શોક્ય પરોણલાં

shokya paronlan

શોક્ય પરોણલાં

મા, મારી શોક્ય આવ્યાં પરોણલાં રે,

મા, એને શાં શાં ભોજનિયાં દેઉં રે, માનીતી શોકને રે.

દીકરી! બાર વરસનો બાવટો રે,

દીકરી! તેર વરસનું તેલ રે, માનીતી શોકને રે.

મા, મારી શોક્ય તો માંદાં પડ્યાં રે,

મા, એને શાં શાં ઓષડિયાં દઉં રે, માનીતી શોકને રે.

દીકરી! આકડો ધંતુરો ને ઓળિયો રે,

દીકરી! ઘોળી ઘોળી પાવ રે, માનીતી શોકને રે.

મા, મારી શોક્ય તો મરી ગયાં રે,

મા, હું ખઉં કે રોવા જાઉં રે, માનીતી શોકને રે.

દીકરી, ચુલે તે લાવશી ખદ ખદે રે,

દીકરી, ખઈને રોવા જાવ રે, માનીતી શોકને રે.

મા, એનો પરણ્યો તે બાંધે શોકિયું રે,

મા, હું તો પે’રું હીર ને ચીર રે, માનીતી શોકને રે.

મા, એનો પરણ્યો તે રૂએ ઘ્રુસકે રે,

મા, મને ખડખડ આવે દાંત રે, માનીતી શોકને રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 303)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, જેઠાલાલ ત્રિવેદી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968