shokya - Lokgeeto | RekhtaGujarati

શોક્ય

shokya

શોક્ય

હું જોરાવર, હું બળુકી, હું ને મારો સાયબો લડીઆંજી!

મારે તે બોલણિયે સાયબો બીજી પરણ્યા, રે સૈયરું જી!

ચોખા રાંધું, ને કણકી કાઢું, છોરુડાં પરણાવું જો;

છોરુડાંની મોર્ય સાયબો પરણ્યા, રે સૈયરું જી!

શોક્યનાં ઝાંઝર શેરીએ ઝમક્યા, મારી ડાબી આંખ ઉઠી જો;

બઈ રે પાડોશણ, મને આંખે પાટા બાંધ, રે સૈયરું જી!

શોક્યના ઝાંઝર શેરીએ ઝમક્યાં, થરથર ટાઢ વછૂટી જો;

બાઈ રે પાડોશણ, મને ગોદડી ઓઢાડજો, રે સૈયરું જી!

ઊઠોને મારા સમરથ સસરા, જૂઆરાં વેંચાવો જો;

મોટા મોટા ઓરડા તો અમને સોંપજો, રે સૈયરું જી;

પડેલાં ઝૂપડાં તે આવતલ શોક્યનાં રે સૈયરું જી;

ઉઠોને મારી સમરથ સાસુ, જૂઆરાં વેંચાવો જો;

ગાયું ને ભેંસું અમને તે સોંપજો, રે સૈયરું જી;

પાંકડા ને વાંછરડાં આવતલ શોક્યનાં, રે સૈયરું જી.

એમ એમ કરતાં બે બે રાતું વઈ ગઈ જો,

ત્રીજીને રાતે તે શોક્ય ગઈ મરી, રે સૈયરું જી!

ભીને કપડે ને વાંકે અંબોડે, સાયબો રોતા આવે જો;

સાયબો રૂવે, ને મારાં મનડાં હસે, રે સૈયરું જી!

ચોખા રાંધીશ ને સેવ રાંધીશ, હું ને સાયબો જમશું જો;

લોકની લાજડિયે અમે મોઢાં વાળશું, રે સૈયરું જી!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 293)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, કંચન જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968