chokha khanDu ne kanchi wawarun - Lokgeeto | RekhtaGujarati

ચોખા ખાંડુ ને કણચી વાવરું

chokha khanDu ne kanchi wawarun

ચોખા ખાંડુ ને કણચી વાવરું

ચોખા ખાંડુ ને કણચી વાવરું, મારાં છોરુડાં પરણાવું જી રે;

છોરુડાંને મદલે સાયબો ઉજળો, મારી સૈયર, હું બળુકી, હું જોરાવર જી રે;

હું ને મારો સાયબો લડિયાં જી રે!

રે બોલડિયે તમે બીજીને લાવજો, આખો ખાતાં ફડસ ખાશું જી રે;

સાયબા સોક્ય લાવો તો અમે અમારે વેંચીને ખાશું જી રે;

હું ને મારો સાયબો લડિયાં જી રે!

સોક્ય આવી સેમાડીયે, મને ત્યાંથી તે ટાઢ્યું ચડી જી રે;

બઈરે પાડોસણ બેનડી, મને ગોદડિયાં ઓઢાડો જી રે,

હું ને મારો સાયબો લડિયાં જી રે!

સોક્ય આવી સરોવરિયે, મારાં ઠાલાં બેડાં ઠમચ્યાં જી રે;

બાઈ રે પાડોસણ બેડાં ઢાંકજે, મને સોક્યની નજરું લાગે જી રે;

હું ને મારો સાયબો લડિયાં જી રે!

સોક્ય આવી આંગણિયે, મારાં બાંધ્યાં ઝોટાં ભડચ્યાં જી રે!

બાઈ રે પાડોસણ ઝોટાં બાંધજે, એને સોક્યની નજરું લાગે જી રે;

હું ને મારો સાયબો લડિયાં જી રે!

સોક્ય આવી ઓરડિયે, મારાં સૂતાં બાળ જાગ્યાં જી રે;

બાઈ રે પાડોસણ મારી બેનડી, મારાં છોરુડાં છાનાં રાખ્યે જી રે;

હું ને મારો સાયબો લડિયાં જી રે!

ઉઠો મારા સમરથ સસરાજી, જુવારું વેંકી આલો જી રે;

ઝોટડિયું અમારી, ઓરડા અમારા, સોક્યને ખીલો ને છાપરું જી રે;

હું ને મારો સાયબો લડિયાં જી રે!