krishnni shodh - Lokgeeto | RekhtaGujarati

કૃષ્ણની શોધ

krishnni shodh

કૃષ્ણની શોધ

(ઢાળ : ‘જોગી જોગન બનાકે કિધર ગયો રે?’)

ગોપી કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ

રાધે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કરતી ફરે રે.

ગોપી કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ.

કદમ્બ! તેં કંઈ કૃષ્ણને દીઠા?

વ્હાલો માથે મુગટ પિચ્છયો ધરે રે—

ગોપી કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ.

મલ્લિકા! તેં કંઈ માધવને દીઠા?

વ્હાલો પીળાં પીતાંબર અંગે ધરે રે—

ગોપી કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ.

તુલસી! તેં કંઈ ત્રિભુવનને દીઠા?

વ્હાલો અધર પર મોરલી ધરે રે—

ગોપી કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ.

મોર! તેં કંઈ મોહનને દીઠા?

વ્હાલો તારી પેઠે લટકાં કરે રે—

ગોપી કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ.

હંસ! તેં કંઈ હરિને દીઠા?

વ્હાલો તારી પેઠે ઠમકો કરે રે—

ગોપી કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ.

કોયલ! તેં કંઈ કેશવને દીઠા?

વ્હાલો તારી પેઠે ટહુકા કરે રે—

ગોપી કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ.

પોપટ! તેં કંઈ પ્રભુજીને દીઠા?

વ્હાલો તુને ભણાવીને પોતે ભણે રે!

ગોપી કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ.

ગવરી! તેં કંઈ ગોવિંદને દીઠા?

વ્હાલો તારા તે દૂધ કેરું પાન કરે રે—

ગોપી કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ.

સૂડલા! તેં કંઈ શ્યામને દીઠા?

એની મધુરી મૂરત મનને હરે રે—

ગોપી કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ.

ચકવા! તેં કંઈ ચતુર્ભુજને દીઠા?

વ્હાલો અમને મૂકીને બીજે ફરે રે—

ગોપી કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ.

ધરતી! તેં કંઈ ધરણીધરને દીઠા?

વ્હાલો તારી ઉપર કોમળ ચર્ણ ધરે રે—

ગોપી કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ.

આકાશ! તેં કંઈ અચ્યુતને દીઠા?

તારી ચારે કોરે દૃષ્ટિ પડે રે—

ગોપી કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ.

હવે વ્રજ જીવન આવી મળે તો

નિશ્ચે અમારા સર્વના પ્રાણ ઠરે રે—

ગોપી કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 64)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966