palibaini wat - Lokgeeto | RekhtaGujarati

પાલીબાઈની વાત

palibaini wat

પાલીબાઈની વાત

પાલીબાઈ તો ચાલ્યાં પરણવા,

સામો મળ્યો વડલો.

વડલો કહે, ‘ક્યાં ચાલ્યાં?’

તો કહે, ‘વર વરવા ને ઘર કરવા.’

વડલો કહે, ‘મને પરણોને!’

પાલીબાઈ કહે, ‘પહેરવા-ખાવાનું શું?’

તો કહે, ‘પહેરવાનાં પાંદડાં; ખાવાની હવા.’

‘ના રે ભૈ ના ! મારે તો નથી પરણવું!’

પાલીબાઈ તો આગળ ચાલ્યાં.

સામો મળ્યો મોર.

મોર કહે, ‘ક્યાં ચાલ્યાં?’

તો કહે, ‘વર વરવા ને ઘર કરવા.’

મોર કહે, ‘મને પરણોને!’

પાલીબાઈ કહે, ‘પહેરવા-ખાવાનું શું?’

તો કહે ‘પહેરવા પીંછાં ને ખાવા દાણા.’

‘ના રે ભૈ ના, મારે તો નથી પરણવું.’

પાલીબાઈ તો પાછાં આગળ ચાલ્યાં.

સામો મળ્યો ઉંદર.

ઉંદર કહે, ‘ક્યાં ચાલ્યાં?’

તો કહે, ‘વર વરવા ને ઘર કરવા.’

ઉંદર કહે, ‘મને પરણોને!’

પાલીબાઈ કહે, ‘પહેરવા-ખાવા-પીવાનું શું?’

તો કહે, ‘પહેરવા લૂગડાં, ખાવા દાણા ને પીવા પાણી.’

પાલીબાઈ તો રાજીનાં રેડ થઈ ગયાં ને બોલ્યાં–

ભલે-ભલે.

પછી પાલીબાઈ તો પરણ્યાં.

ગામમાં ગોળનાં ગાડાં આવ્યાં.

પાલીબાઈ ઉંદરડા-વરને કહે કે–

‘જાઓ, ગોળ લઈ આવો.’

ઉંદરડાભાઈ તો ગોળ લેવા ગયા!

એવામાં તો ગાડાનું પૈડું ચાલ્યું;

અને ઉંદરભાઈ તો ચગદાઈ મૂઆ!

પાલીબાઈ તો રંડાણાં, ને બેઠાં રોવા કે–

‘ન રહી વડલાને,

રહી મોરલાને,

ઢચૂક ઉંદરડા! ઢચૂક!’

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 19)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, ગજાનન વિ. જોશી
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959