shankar bhilDi - Lokgeeto | RekhtaGujarati

શંકર-ભીલડી

shankar bhilDi

શંકર-ભીલડી

રુમ ઝુમ કરતી ચાલી ભીલડી, તપ છોડાવા ચાલી જી રે.

આંખીલા ખોલકર પૂછવા લાજ્યા, કીયા પુરુષ ઘેર નારી જી રે?

ભીલ ઘેર ના’તી, ભીલ ઘેર ધોતી, વાળે વાળે મોતીડાં પરોવતી જી રે.

મેરા ભીલકું પીછા પડા હે, ચલી જંગલકો જોતી જી રે,

તમારે મા’દેવજી ગંગા પારવતી, ભીલડી ને શું મો’યા જી રે.

અમે અમારે મારગ જાતાં, ઝગડા શેના શિવ માંડ્યાં જી રે,

પારવતી ને પિયેર વળાવું, ગંગા બનાવું તારી દાસી જી રે.

ઉજડ ખંડ મેં મે’લ બના દઉં, તને બનાવું પટરાણી જી રે,

મેરા ભીલ તો બાળા-ભોળા, જંગલમે રે’તા વનવાસી જી રે.

સાંજ પડે ને ભીલ ઘેરે સધારે, થેઈ થેઈ કરતા નાચે જી રે,

તુમ મા’દેવજી નાચ કરો તો, ચલુ તમારા ઘેરે જી રે.

મારા ભીલકું ખબર મિલે તો, જરૂર વાંહી આવે જી રે,

એક હાથ શિવે માથડે મેલ્યો, બીજો કેડે મેલ્યો જી રે.

થેઈ થેઈ કરતા શિવજી નાચે, ભીલડી કું રંગ લાજ્યો જી રે,

ઓતર ખંડથી એક વાદળી ચલાવું, ઝરમર મેવલા વરસાવું જી રે.

તેરા ભીલકું ડૂબ ડૂબ મારું, તને કરું પટરાણી જી રે.

સેંહલદિપથી હાથીડા મંગાવુ, હીરા અંબાડી બેહાડું જી રે.

દેશ પરદેશના રંગારી બોલાવું, લાલ ચુનરિયાં રંગાવું જી રે,

ચૂડલા ઉપર ચીપું જડાવું. ખાંતે પે’રો તમે રાણી જી રે.

શિવ-પારવતી પૈણવા બેઠાં, પૈણે સકળ ધરે નારી જી રે,

રુમ ઝુમ કરતી ચાલી ભીલડી, તપ છોડાવા ચાલી જી રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 150)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પુરષોત્તમ સોલંકી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968