sawitri - Lokgeeto | RekhtaGujarati

સાવિત્રી

sawitri

સાવિત્રી

અશ્વપતિ રાજાને ડાઈ રૂડી દીકરી રે,

દીધા સાવિત્રી એનાં નામ,

અશ્વપતિ રાજાને ડાઈ રૂડી દીકરી રે,

રાજાયેં સાવંત્રી વીવા’ આદર્યા રે,

એને સત્યવાન વરવાના કોડ રે;

અશ્વપતિ રાજાને ડાઈ રૂડી દીકરી રે.

રાજા એક ઘરડો ને આંખે આંધળો રે,

તેને દીકરો છે સત્યવાન રે;

અશ્વપતિ રાજાને ડાઈ રૂડી દીકરી રે.

રાજપાટ શત્રુયે એનાં લઈ લીધાં,

રાજા હાલ્યો ગયો વનવાસ રે;

અશ્વપતિ રાજાને ડાઈ રૂડી દીકરી રે.

જઈ જંગલમાં બાંધ્યું ઝુંપડું રે,

સત્યવાન સેવા કરે દિ’ ને રાત રે;

અશ્વપતિ રાજાને ડાઈ રૂડી દીકરી રે.

સત્યવાન જંગલમાં કાપે લાકડાં રે,

જ્યાંથી ડસીઓ કાળો નાગ રે;

અશ્વપતિ રાજાને ડાઈ રૂડી દીકરી રે.

એની આવરદા એક દિ’ની રઈ રે,

જમડા આવી ઊભા છે દ્વાર રે;

અશ્વપતિ રાજાને ડાઈ રૂડી દીકરી રે.

સાવંત્રીયે જઈને દાદાને પૂછિયું રે,

દાદા મોરા, લગનિયા લેવરાવો રે;

અશ્વપતિ રાજાને ડાઈ રૂડી દીકરી રે.

દીકરી. દેશો દેશમાં કાગળ મોકલું રે,

તેડાવું મોટા મોટા ભૂપ રે;

અશ્વપતિ રાજાને ડાઈ રૂડી દીકરી રે.

આપણે રાજકુંવરિયા તેડાવિયે રે,

આવશે એક કરતાં એકવીશ રે;

અશ્વપતિ રાજાને ડાઈ રૂડી દીકરી રે.

દાદા, વરૂં તો સત્યવાનને વરૂ રે,

બીજા મારે મન છે ભાઈ ને બાપ રે;

અશ્વપતિ રાજાને ડાઈ રૂડી દીકરી રે.

દાદે રૂષિ નારદજીને તેડાવિયા રે,

દુઃખ મારાં ભાંગો તમે ભગવાન રે;

અશ્વપતિ રાજાને ડાઈ રૂડી દીકરી રે.

સાવંત્રીને નારદે સમજાવિયાં રે,

દીકરી, મેલી દિયો ને વાત રે;

અશ્વપતિ રાજાને ડાઈ રૂડી દીકરી રે.

સત્યવાનની આવરદા એક દિ’ની રઈ રે,

પરણીને પસતાવાનો નઈં રે’ પાર રે,

અશ્વપતિ રાજાને ડાઈ રૂડી દીકરી રે.

આપો આશિષ, ને વિદાય મને કરો રે,

કોઈ મને રોકજો ના, પળ વાર રે;

અશ્વપતિ રાજાને ડાઈ રૂડી દીકરી રે.

વનમાં જઈને સાવંત્રીજી વર્યાં રે,

સત્યને તપે રીઝ્યા છે ભગવાન રે;

અશ્વપતિ રાજાને ડાઈ રૂડી દીકરી રે.

સત્યવાનને સાવંત્રી આવ્યાં રાજમાં રે,

દાદે દીધાં એને રાજ અને પાટ રે;

અશ્વપતિ રાજાને ડાઈ રૂડી દીકરી રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 35)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કાળીદાસ મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968