saw re sisamni mari welDi re lol - Lokgeeto | RekhtaGujarati

સાવ રે સિસમની મારી વેલડી રે લોલ

saw re sisamni mari welDi re lol

સાવ રે સિસમની મારી વેલડી રે લોલ

સાવ રે સિસમની મારી વેલડી રે લોલ,

નવલે સુથારે ઘડી પીંજણી રે લોલ.

મેં તો એકસો ને સાઠ સાંધા મેળવ્યા રે લોલ,

વળી કાચા સુતરથી બંધ બાંધિયા રે લોલ.

મેં તો ધોળા ને ધમણા વેલ્યે જોડિયા રે લોલ;

મેં તો જઈ અમરાપર છોડિયા રે લોલ.

અમરાપુરના તે ચોકમાં દીવા બળે રે લોલ;

મેં તો જાણ્યું કે જીવન આંઈ વસે રે લોલ.

મારી ઘેલી સાસુ ને ઘેલા સાસરા રે લોલ;

ગાય વરાંહે દોયાં વાછરાં રે લોલ.

અમે ચોખા કંકાવટી વીસર્યાં રે લોલ;

અમે ઈશ્વર પૂજવાને નીસર્યાં રે લોલ.

મેં તો દૂધ સાકરનો શીરો કર્યો રે લોલ;

મેં તો તાંબાના તાસમાં ટાઢો કર્યો રે લોલ.

હું તો જમવા બેઠી ને જીવણ સાંભર્યાં રે લોલ;

મને કંઠે ઉતરે હરિ કોળિયો રે લોલ.

તો હમણાં તેડાવું દીનાનાથ ને રે લોલ;

હું તો કોળિયા ભરાવું જમણા હાથથી રે લોલ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૭ (પૃષ્ઠ ક્રમાંક 108)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, વસંત જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968