sasu ane wahu - Lokgeeto | RekhtaGujarati

સાસુ અને વહુ

sasu ane wahu

સાસુ અને વહુ

(વહુ સાસુને સંભળાવે છે)

સાસુ! શેં રંજાડો છો? ને શેં મુજને પરણાવી રે?

વધાવી હું મોભ તમારો, કુલ વસાવવા આવી રે.

પહેલું તમે તરસતાં, જે વહુ આવે કે વારે રે;

હવે હાથ ધ્રુજે છે પીરસતાં, દળવું સાંજ સવારે રે.

પહેલું તો તમે જાણતાં, જે વહુને કે વારે દેખું રે;

હવે શેં જાણો છો મનમાં, રાત ને દહાડો શેકું રે?

પહેલું સુતને પરણાવવા માટે, પૂજતાં હરિહરને રે;

હવે શેં જાણો છો બાઈજી! રખે મળતી વરને રે!

પહેલું તો તમે જાણતાં જે સુત કે વારે પરણે રે?

હવે તો બાઈજી! અહીઆં, હબકું છું દળણે રે.

પહેલું તો તમે એમ કહેતાં, જે કોઈ વહુની ભાગે ભુખડી રે;

હવે તો ઊખળ-ચક્કીની આપો છો તમે સુખડી રે.

હું આવવાને બાઈજી! તમે, લાંચ આપી છે સહુને રે;

દીકરાને ભંભેરીને, શેં દમાવો છો વહુને રે?

પહેલું તો તમે એમ કહેતાં, જે કરું સારું મોંહો-જોણું રે.

હવે નીત કંસારને સાતે, આપણ લુંગડાં વેળા ખાણું રે.

પહેલું તો તમે એમ કહેતાં, જે વહુને આપું સાકર રે;

હવે તો વીઆળુ વેળા, શેં મારો છો ટાકર રે?

સાસુજી! તમે એમ કહેતાં, જે કોઈ આપે પીંગાણી રે,

હવે હું એકલડી પાસે, શેં ભરાવો પાણી રે?

પહેલું તો તમે જાણતાં જે, કો સુતને આપે કન્યા રે;

હવે સુખ તે શેં નથી દેતાં? મેં નથી કીધો અન્યા’ રે.

પહેલું મારા બાપને, તમો ટળવળતાં કર જોડી રે.

હવે શેં પીસો છો, સાસુ! શિર ને કર મોડી રે?

‘સુત માહારાને પરણાવો તો, જે કોહો તે આપું રે.’

હવે શેં જાણો છે સાસુ! વહુનો છાંહડો કાંપુ રે.

પરાણે પરાણે મોંહો મોહટું, તે શેં કરી રોહો છો રે?

મણ દળુ, ને અધમણ ખાંડું, તો ભૂંડી શેં કોહો છો રે.

પહેલું કહેતાં, વહુ આવે તો સુખ દેઈને કરું કંટી રે:

હવે શું પીરસો છો સાસુ! બાવટો ને બંટી રે?

હું-પાસે, ઘરમાં ખડકી સુધી, શેં દેવરાવો ઝાડુ રે?

હું-ને કોરું પીરસો છો ને નણદીને તો લાડુ રે!

હું-થી ઘર વસશે તમારું, નણદીધી પીઆરું રે;

હું-આવ્યે દિવાળીના દિન, ઘરમાં દીસે સારું રે.

વતાં તમારાં કરી કરીને, ધાઠા માહારા હાથ રે;

હું-ને ઠુંબર બાજરો, ને નણદીને તો ભાત રે.

જાણો તો હું દીકરી પેં વાહાલી, તમને હોઉં રે;

મા-મહારી-પેં વાહાલાં છો, તો તમને કેમ વગોઉં રે?

વહુને જો સુખ દીજીએ, તો દીએર પરણે સઘળા રે;

સાસુ-વહુને સંપ હોય, તો આવે ધનના ઢગલા રે.

નાથ કહે છે સાસુ-વહુને, જે કોઈ સંપ કરાવે રે;

પેટે આવે દીકરા, ને અંતે તન તરાવે રે.

અંટસથી જે ઊપનુ તે, વચે કરાને ટાઢ રે;

‘વહુ ભૂંડી કે સાસુ ભૂંડા?’ તે કરે વઢવાડ રે.

સાસુજીને દુઃખ દેશે, જે વહુએર થઈને ભવમાં રે;

અન્ન વિના તે તરફડશે ને દૂધ હશે જમ દવમાં રે.

સતકુલની જે વહુ લાડીને, દુઃખડાં દેશે સાસુ રે;

કુલ તેહનું વસશે નહીં, ને સૂકાશે નહીં આંસુ રે.

સાસુ-વહુ બે, જો ડાહ્યાં હોયે, તો ચાલે ઘરસૂત્ર રે;

નાના વિધનાં સુખ પામે, ને પરણાવે પંડ-પુત્ર રે.

વહુ-સાસુનો ગરબો નાથે, કીસો તે સાંભળજો રે;

સઘડ હોયે તો સાસુ-વહુ બે, કંઠ વળગીને મળજો રે.

(સાસુ વહુને સંભળાવે છે :—)

સાસુ કહે છે સુણ વહુવારુ, કાંહાં છાં તે સમઝું છું રે:

પેહેલું બહુ સુખ પામતી ને, તે વહુવારુ હું છું રે!

હવે હું ઘરડી થઈ, ને પહેલાં હૂતી નાહાની રે;

હું સાસુની સેવા કરતી, ધણીએ મુંને માની રે.

પ્રાત સમે ઊઠીને હું તો, સૂરજ પૂજા કરતી રે.

જૂઠાં સાચાં થોડાં કરતી, ધ્યાન પ્રભુનું ધરતી રે.

સાસુ માહારી શાણી હૂતી, જે શિખામણ દેતી રે;

તે સરવે પરણામ કરીને, શીશ ચઢાવી લેતી રે.

વાશીદાથી દીવા સુધી, કેહેતાં તે હું કરતી રે;

ખારાં ને વળી મીઠાં પાણી, લોટા સુધી ભરતી રે.

... ... ... ...

સાસુની આગન્યા-પાખી હું, મુકતી, ઘરનો ઉંબરો રે.

ઘરમાં ઘી થોડું હવું, તો જમીએ અણ અવગારે રે;

ઘરમાંની બહાર ને કેહેતાં, જેવારે રાખે વારે રે.

એક નણદલ તુંને અદકી વસે છે, માહરી હૂતી ચાર રે;

ઘરની વાત તો ઘરમાં રહેતી, કહીં નવ કેહેતી બાહાર રે.

વરત વરતુલાં નીત્યે કરતી, સરવે રહેતાં સાથ રે;

સાસુ વહુને કેમ બને છે, લોકની રહેતી ભ્રાંત રે.

નણંદ, સાસુ, ને કંથ પોતાનો રાખતાં તે બહુ હેત રે;

હું તારા સારાને કહું છું, ચેતવું હોય તો ચેત રે.

તાહારા જે જે અવગુણ છે તે, લોક આગળ શું કહીએ રે;

વચન વિખ શાં બોલાં છાં, મનમાં જાણી રહીએ રે.

પોતાના અરથને કરવું, તે લોક આગળ શું કહેવું રે;

ગાળ દેતાં નીત છોકરાને, પડે દુઃખ ને સુખ તે સહેવું રે.

આખો દહાડો કલેશ કરીને, શું ચઢાવાં ફડકો રે?

શિખામણ માનાં નહીં, ને મોટો કરાં છાં મડકો રે.

ચંચલ થઈને વહુઅર! વાટે, શું જુવા સઉ સામું રે?

ઘણી ખરી તે કુળ વગોવે, તેહમાં તારું નામું રે;

ગુણ તમારા સહુકો જાણે, બોલાં અનાતાલ રે;

વિવાહમાં વગોણું કરો, સહુને પાડો ફાળ રે.

ઘર પોતાનું સૂનું મેહેલી, બહાર શું હીંડાં છાં ફરતી રે?

જે વાળ જોઊં તે વાળ દેખું, ઘરમાંથી કંઈ ચરતી રે.

કંથને તો કામણે બાંધ્યો, કહાં છાં તે કરે છે રે;

આખો દહાડો ઘેહેલો થઈને, તૂં પૂંઠે ફરે છે રે,

હેત તે સરવને હશે, પણ કાંઈક હોયે લાજ રે;

રડવું ખપવું સરવે મેહેલ્યું, વણસે એહેનું કાજ રે.

હું સાસુની આગન્યા લેઈને, ઘરમાંથી નીસરતી રે;

હું જે વારે સાસરે રહેતી, સહુની આંખો ઠરતી રે.

અમાસ બારસ પીહેર જાઉં તો, માજીનાં દુઃખ ફેડું રે;

સાસુને ઘર સુનુ લાગે, તરત મોકલે તેડું રે.

ઘટ-સ્નાન નાહીને મેં તો, સાસુને સંતોકી રે;

પીહેરથી પૈસો લાવીને, નણદલોને પોખી રે.

હું જો દળવા ખાંડવા બેસું, સાસુ આવે ધાતી રે!

નણદલોને ઠપકો દે, ને થાયે રાતી રાતી રે.

‘વહુ તો માહારે લાડકબાઈ, તમને ના આવે મેહેર રે;

તમ થકી કાંઈ નીપજે નહીં, તો જાઓ તમારે ઘેર રે.

સાસુની હાકે નણદો, કરતી છાંહીઆ હાથે રે;

અન્યો અન્યે સ્નેહ કરીને, શીરાવતાં સૌ સાથે રે.

તું છાં વહુખર એકલસૂરી, કોઈ નવ ગમે દીઠું રે;

માણસનું તો મોંહો ના ગમે, ઘાલતી આંખમાં મીઠું રે.

માત પિતા પોતાનાં છે, તો તે સાથે કેમ વઢાં છાં રે?

ભાઈ ભોજાઈને હસતાં દેખી, મનમાં શું કઢાં છાં રે?

કંથને શું ભંભેરાં છાં? તે તો માહારો જાયો રે;

હું-સાથે સલુક હશે તો, સોંપીશ ઘરનો માયો રે.

પુત્રને પરણાવીને, ખરચ્યા છે બહુ દોકડા રે;

‘ભૂંડી ભૂંડી’ સઘળે કાંહાં, પણ માને નહીં કાંઈ લોકડા રે.

કે વારે તાહારે કુંદન જોઈએ, કે વારે જોઈએ મોતી રે;

લુંગડાં તો હું નીત લેઊં, ને શેં હીંડાં વગોવતી રે?

કોઈ વેળા કસુંબુ પહેરે, ને કોઈ વેળા હોયે ચીર રે;

ભાર પોતાનો રાખીએ વહુઅર, નારીએળ જેમ નીર રે.

આટી કીટી સરવે ટાળી, સેવા અરથે આણી રે;

ગંગાજીથી થાકી આવું : શેં પાઊં પાણી રે?

સજાઈ હું સરવે પેહેલીને, રસોડામાં પેસું રે;

બહાર જઈને બેસી રાંહાં, તે તારા મનમાં શું છે રે?

પીહેરમાં પનોતી છાં, તો આવડો શે અહંકાર રે?

હું તો જાઊં છું કાશીએ, હવે ભોગવજો ઘરબાર રે.

હું તો એહવી આશિષ દેઊ છું, જે પસરજો પરિવાર રે;

તું-સરખી વહુરો હજો, જે તારો નાદ ઊતારે રે.

કામ પડ્યે સંભારશો : ‘મેં શેં વળાવી સાસુ રે?’

પુત્ર એક પરણાવશો તે વારે, આંખે આવશે આંસુ રે.

થોડે ઘણે સંતોષ હશે તો, તમે સઘળે સમાશો રે;

જેહેની આંખમાં ઝેર હશે, તેહેને પંચે ટાળી થાશે રે.

જીભલડી વશ કીજીએ તો, સઊ કોનું મન રીઝે રે;

હરખે હરિરસ પીજીએ, ને સઘળાં કારજ સીજે રે.

વહુ સાસુને સુખ દેશે તો, પામશે બહુ ભંડાર રે;

સાસુ તે વહુને માને, તેહેનો ધિઃક્ અવતાર રે.

પોતાના અરથે કહું છું, દીકરાને ને વહુને રે;

ચતુર હોય તે રાખે મનમાં, શિખામણ સહુને રે.

આગલો ગરબો નાથનો ને, પાછલો છે દલપતનો રે;

સુઘડ હોયે તો શીખજો, સાસુ-વહુના મતનો રે.

ગાયે શીખે ને સાંભળે, તો ભાંજે ભવની રાઢ રે;

સાસુ વહુ સુખ ભોગવે ને કંથ લડાવે લાડ રે.

રસપ્રદ તથ્યો

અહીં પહેલી વાર પ્રગટ થતા ગરબામાં, સમગ્ર ગૃહજીવનના પ્રશ્નો ગુંથેલા છે. અહીં આપેલાં બે ગરબા, નડિયાદની ડાહીલક્ષ્મી લાયબ્રેરીના પોથીસંગ્રહમાંથી પોથી અં 11/6 માંથી ઊતાર્યા છે. મધ્યકાલીન સમાજ કેવળ ધર્મની જ વાતો કરીને બેસી રહેતો હતો એમ કહી શકાય તેમ નથી. સમાજના પ્રશ્નોને પણ આ રીતે કવિઓદ્વારા વાચા મળતી હતી. પહેલો ગરબો કોઈ નાથ કવિનો છે; અને બીજો દલપતનો છે. સમાજજીવનના અભ્યાસીઓ માટે આ બહુ કીમતી દસ્તાવેજો છે. બંને ગરબા એકબીજાના પૂરક જેવા છે. —સંપાદક

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 109)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, કુમારી માલિની મહેતા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964