pankhiDa lal - Lokgeeto | RekhtaGujarati

પંખીડા લાલ

pankhiDa lal

પંખીડા લાલ

સાતેયને સૈયર પાણી સાંચર્યાં, પંખીડા લાલ;

સાતેયને પૂછે છે લોક, પંખીડા લાલ.

ના વાન છે ઉજરા રે, પંખીડા લાલ;

સાતમીનો ભીનેરો વાન, પંખીડા લાલ.

સાતમી સુંડલી સોનું શોભતું, પંખીડા લાલ,

માથે છે નવ સર્યો હાર, પંખીડા લાલ.

બર્યું તારૂં સુંડી સોનું શોભતું, પંખીડા લાલ.

બર્યો તારો નવ સર્યો હાર, પંખીડા લાલ.

લાજે મારાં કોરીનાં સાસરાં, પંખીડા લાલ,

લાજે મારાં મા ને બાપ, પંખીડા લાલ.

સાતેયને સૈયર પાણી સાંચર્યાં, પંખીડા લાલ;

સાતેયને પૂછે છે લોક, પંખીડા લાલ.

છયેના વાન છે ઉજરા, પંખીડા લાલ;

સાતમીનો ભીનેરો વાન રે, પંખીડા લાલ.

સાતમીને ફૂલ ફગરનો ઘાઘરો, પંખીડા લાલ;

માથે છે હીર ને ચીર રે, પંખીડા લાલ.

બર્યો તારો ફૂલ ફગરનો ઘાઘરો, પંખીડા લાલ;

બર્યાં તારાં હીર ને ચીર રે, પંખીડા લાલ.

લાજે મારો જદુપતિ જેઠ રે, પંખીડા લાલ;

લાજે મારાં ભાઈ ને ભોજાઈ રે, પંખીડા લાલ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 57)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કા. મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968