sasri - Lokgeeto | RekhtaGujarati

સાસરી

sasri

સાસરી

આજ સખી આનંદનાં રે, મારે વાણલાં વાયાં,

સાસરીયે સુખવાસથી રે, મારે આણલાં આવ્યાં.

નણદી નેહાળ ને હેત ભરી રે, અલી તેડવા આવી,

ભાભલડી કહી ભાવથી રે, ઊર ભીંજતી આવી.

સાસુજીના ઉર વહાલથી રે, સખી શું વખાણું?

દેર દેરાણીનું હેત તો રે, ભાઈ ભાભી સમાણું.

જેઠાણી મીઠી માવડી રે, વહાલથી શીખ દેતી.

જાણે દાદી હેત ભરી રે, સાસુ દેવની દીધી.

જેઠ ભર્યા ભર્યા હેતથી રે, બોલો હોઠડાં સુકે,

જેઠ જેઠાણી માત-પિતા શાં રે, મારે દુખડે દુખે.

સાસરિયે સસરા સખી રે, મારે દાદાજી જેવા,

વહાલ ભર્યા બોલ બોલતા રે, જાણે મીઠડા મેવા.

નણદી છાની છાની આવીને રે, સ્નેહ સંદેશ કે’તી,

ભાભી આવો અહીં, કૈં કઉં રે, કહી સંદેશ દેતી,

જોજો મીઠી મજાકમાં રે, કે’તી, એવું કરતાં,

ભાઈ તમારા હેતમાં રે, મૂકે અમને રેઢાં.

પ્રીતમ પ્રેમના છે અમી રે, ઉરે અભરે ભરાયાં,

એક બીજાના અંતરે રે, સ્નેહ સાગર રેલાયા.

વહાલા વિયોગી દુખનાં રે, દીન કાળજાં કાપી,

સોણલાં આપે વહી ગયાં રે, આનંદ આપી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 228)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, કસ્તુરી નાનુભાઈ જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968