sapnaman - Lokgeeto | RekhtaGujarati

સપનામાં

sapnaman

સપનામાં

આજ રે સપનામાં મેં તો ગૌમુખી ગંગા દીઠી જો;

સેવા ને પૂજા રે સાહેલી, મારા સપનામાં.

આજ રે સપનામાં મેં તો વેપારીને દીઠા જો;

રેશમની સાડી રે સાહેલી, મારા સપનામાં.

આજ રે સપનામાં મેં તો વકીલ બારીસ્ટર દીઠા જો;

અંતરની શીશ રે સાહેલી, મારા સપનામાં.

આજ રે સપનામાં મેં તો જટારો જોગી દીઠા જો;

નિશાળની ભણનારી સાહેલી, મારા સપનામાં.

આજ રે સપનામાં મેં તો પારસ પીપરો દીઠો જો;

તુલશીનો ક્યારો રે સાહેલી, મારા સપનામાં.

ગૌમુખી ગંગા તો અમારા સસરાજી,

સેવા ને પૂજા રે સાસુજી મારાં કરતાં’તાં;

વેપાર કરતા તો અમારા જેઠજી;

રેશમની સાડી રે જેઠાણી મારાં પેરતાં’તાં;

વકીલ બારીસ્ટર તો અમારા દેરજી;

અંતરની શીશી રે દેરાણી મારાં છાંટતાં’તાં

જટારો જોગી તો અમારો નણદોયોં;

નિશાળમાં તો નણંદ અમારાં ભણતાં’તાં;

પારસ પીપરો તો અમારા ગોરજી;

તુલસીનો ક્યારો રે ગોરાણી મારાં પૂજતાં’તાં.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 55)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કા. મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968