morlo marat lokman aawyo re - Lokgeeto | RekhtaGujarati

મોરલો મરત લોકમાં આવ્યો રે

morlo marat lokman aawyo re

મોરલો મરત લોકમાં આવ્યો રે

મોરલો મરત લોકમાં આવ્યો રે,

મોર, તું તો એવડાં તે રૂપ ક્યાંથી લાવ્યો રે?

મોરલો મરત લોકમાં આવ્યો રે.

લીલો ને પીળો મોરલો અજબ રંગીલો,

ને બેઠો’તો સુંદર વડવાયો રે;

મોરલો મરત લોકમાં આવ્યો રે.

સુરતી સુહાગણ સુંદરી પે’રે,

સુની સુની સેજ સુવાયો રે;

મોરલો મરત લોકમાં આવ્યો રે.

જી રે નાભી કમળસેં ઊડ્યો એક મોરલો,

બેઠો’તો શીતળ વડવાયો રે;

મોરલો મરત લોકમાં આવ્યો રે.

પાંચ બળદિયે તારી ગાડલી જોડી,

હાંકે તેમ હાલે સવાયો રે;

મોરલો મરત લોકમાં આવ્યો રે.

ઈંગળા ને પીંગળા તારી અરજું કરે છે,

મારો નાથ હજી કેમ આયો રે;

મોરલો મરત લોકમાં આવ્યો રે.

કાં તો શામળિએ તુંને રોકી રાખ્યો,

કાં તો તું ઘરધંધામાં ઘેરાયો રે;

મોરલો મરત લોકમાં આવ્યો રે.

ક્યારે યે માયાનો ભરુસો કરવો,

નથી પ્રથમી ઉપર એનો પાયો રે?

મોરલો મરત લોકમાં આવ્યો રે.

મોરલો મરત લોકમાં આવ્યો રે

મોર, તું આવડાં રૂપ ક્યાંથી લાવ્યો રે?

મોરલો મરત લોકમાં આવ્યો રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 271)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ચંદ્રિકા જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968