ma bap lidhan teDi re - Lokgeeto | RekhtaGujarati

મા-બાપ લીધાં તેડી રે

ma bap lidhan teDi re

મા-બાપ લીધાં તેડી રે

મોહનડીના આંટાને વીંટા રે, પરભુ, અમને ઘડાવોને કાંટા રે,

કાંટાને જોઈએ ઘૂઘરી રે, પરભુ, અમને ઘડાવોને ટોટી રે.

ટોટીના ગાળા કૂબડા રે, પરભુ, અમને ઘડાવોને ઘૂઘરા રે,

ઘૂઘરાની દોરી લાંબી રે, પરભુ, અમને ઘડાવોને કાંબી રે.

કાંબીને જોઈએ કડલાં રે, પરભુ, અમને ઘડાવોને ટીલી રે,

ટીલીને જોઈએ તાંત્યું રે, મારે પૂતર રમાડ્યાની ખાંત્યું રે.

જ્યારે પૂતર ચડ્યા ઘોડે રે, ત્યારે મા-બાપ જોવા ધોડ્યા રે,

જ્યારે પૂતરને આવી મૂછ્યું રે, ત્યારે મા-બાપને નવ પૂછ્યું રે.

જ્યારે પૂતરને આવી લાડી રે, ત્યારે મા-બાપ મેલ્યાં કાઢી રે,

માતા ખંભે લ્યોને ગરણાં રે, હવે દળો વવારુનાં દળણાં રે.

માતા ખંભે લ્યોને રાશ્યું રે, હવે ફેરવો વવારુનાં છાશ્યું રે,

દીકરા, આવી ખબર્યું નોતી રે, નકર પાંહે રાખત નાણું રે,

દીકરે ઊંચી ચણાવી મેડી રે, ત્યારે મા-બાપ લીધાં તેડી રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 191)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ખોડીદાસ પરમાર, શીલાબેન મેરૂભાઈ, જીવીબેન ડોડિયા, રતનબેન વેગડ, જીવીબેન ચૌહાણ, વખતબેન પરમાર)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968