dadano nyay - Lokgeeto | RekhtaGujarati

દાદાનો ન્યાય

dadano nyay

દાદાનો ન્યાય

ઉજળાં રે ઉજળાં ચંદરમાનાં તેજ જો;

તેથી તે ઉગળાં રે ઘરનાં ઓંગણાં.

મોટે ને મળખે પાણીલાં સંચારાં;

રાજાનો કુંવર ઘોડો પાવા આઈવો.

બોઈલો રે બોઈલો અટપટિયા બે બોલ જો;

બીજી તે મારી રે ડાબા હાથની ધોલ રે.

તીજી તે મારી રે પગની મોજડી;

ચોથો તે માઈરો રે સોંરીંગ ચાબખો.

(ઢાળ બદલાય છે.)

ગામના પટલિયા સૂતા છે કે જાગો જો?

કાગળિયાં મોકલાવો રે મારા મૈયેરનાં.

લખજો રે લખજો અટપટિયા બે બોલ જો;

બીજી તે લખજો રે ડાબા હાથની ધોલ જો.

તીજી તે લખજો રે પગની મોજડી;

ચોથો તે લખજો રે સોરીંગ ચાબખો.

ગામના વંતરિયા સૂતા છે કે જાગો જો;

પતરકાં લઈ જાઓ રે મારા મૈયેરનાં.

(ઢાલ બદલાય છે.)

કાગળિયાં કાગડીની કોટે બંધાયવાં રે, શામળિયાજી;

મારા નોને વીરે લઈ વાંયચાં રે, શામળિયાજી.

ઉકઈલા રે ઉકઈલા અટપટિયા બે બોલ જો;

બીજી તે ઉકલી રે ડાબા હાથની ધોલ જો.

તીજી તે ઉકલી રે પગની મોજડી;

ચોથો તે ઉકઈલો રે સોરીંગ ચાબખો.

દાદે ઊંડા કુવલિયા ખોદાયવા રે, શામળિયાજી

દાદે ભારો બાંધી સાપ નાયખા રે, શામળિયાજી

દાદે ડાલુ ભરી દેડકા નાયખા રે, શામળિયાજી

દાદે સૂપડું ભરી વીંછી નાયખા રે, શામળિયાજી

દાદે કઙછી ભરી કોદરા નાયખા રે, શામળિયાજી

દાદે સાતે દીકરીઓ તેઙાવી રે, શામળિયાજી

દીકરી! કેટલાં ખાધાં ને કેટલાં પીધાં રે, શામળિયાજી

દાદા! નથી ખાધાં ને નથી પીધાં રે, શામળિયાજી

દાદે ઊંડા કૂવામાં ઊતાઈરાં રે, શામળિયાજી

મારા નોના વીરે એમ પૂછ્યા રે, શામળિયાજી

બેનડી! કેટલાં સુખી ને કેટલાં દુઃખી રે, શામળિયાજી

વીરા! દુઃખ થોડાં ને સુખ ઘણાં રે, શામળિયાજી

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 230)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, શંકરભાઈ સોમાભાઈ તડવી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966