bhathuji - Lokgeeto | RekhtaGujarati

ભાથુજી

bhathuji

ભાથુજી

લીલી લીંબળીઓની છાંય ભાથુભઈ, લીલી લીંબળીઓની છાંય રે.

ફાગવેલ જલમ થયા ભાથુભઈના; ભગવેન જલમ થયા રે.

પોંચ વરસ પૂરાં થયાં ભાથુભઈના; પોંચ વરસ પૂરાં થયાં રે.

સોનગઢ સગાઈઓ કીધી ભાથુભઈની; સોનગઢ સગાઈઓ કીધી રે.

જોશીળો તેળાવો ભાથુભઈનો; જોશીળો તેળાવો રે.

લગનિયાં લેવરાવો ભાથુભઈનાં; લગનિયાં લેવરાવો રે.

ઘોંણલિયા ભરાવો ભાથુભઇના; ઘોંણલિયા ભરાવો રે.

પીઠીઓ ચોળાવો ભાથુભઈની; પીઠીઓ ચોળાવો રે.

ભોજાયો દોંણ માગે ’લી લીંબળી; ભોજાયો દોંણ મોંગે રે.

દોંણલિયા દોંણ ચૂકવે ’લી લીંબળી; દોંણલિયાં દોંણ ચૂકવે રે.

સોનેરી મંડળ રચાવે ભાથુભઈ; સોનેરી મંડળ રચાવે રે.

લીલુળિયા વાંસળા વઢાવે ભાથુભઈ; લીલુળિયા વાંસળા વઢાવે વે રે.

તેના તે મંડળ રચાવે ભાથુભઈ; તેના તે મંડળ રચાવે રે.

મોંડવિયા દોંણ માગે ‘લી લીંબળી; મોંડવિયા દોંણ મોંગે રે.

દોંણલિયા દોંણ ચૂકવે ‘લી લીંબળી; દોંણલિયા દોંણ ચૂકવે રે.

લખી કંકોતરી મોકલે ભાથુભઈ; લખી કંકોતરી મોકલે રે.

પેલી કંકોતરી લખે ભાથુભઈ; પેલી કંકોતરી લખે રે.

ગણેશ દેવને તેડાવો ભાથુભઈ; ગણેશ દેવને તેડાવો રે.

બીજી કંકોતરી લખે ભાથુભઈ; બીજી કંકોતરી લખે રે.

કાળકા માને તેડાવો ભાથુભઈ; કાળકા માને તેડાવો રે.

તીજી કંકોતરી લખે ભાથુભાઈ; તીજી કંકોતરી લખે રે.

કુબેરજીને તેડાવો ભાથુભઈ; કુબેરજીને તેડાવો રે,

ચોથી કંકોતરી લખે ભાથુભઈ; ચોથી કંકોતરી લખે રે.

બહુચરમાને તેડાવો ભાથુભઈ, બહુચરમાને તેડાવો.

પોંચમી કંકોતરી લખે ભાથુભઈ; પોંચમી કંકોતરી લખે રે.

તુળજા માને તેજાવો ભાથુભઈ; તુળજા માને તેડાવો7 રે.

વરધોમેં વે’લાં પધારો માતા મારી; વરધોંમેં પધારો રે.

રેંગળીયા રથલા જોડાવે માતા મારી; રેંગળીયા રથળા રે.

આઈવાં છે ફાગવેલ ગોંમ માતા મારી; આઈવાં ફાગવેલ ગોંમ રે.

ગોરમટી મંગાવો ભાથુભઈની; ગોરમટી મંગાવો રે.

ચોરીઓ ચિતરાવો ભાથુભઈ; ચિતરાવો થપાવો રે.

ગુજરિયાં મેલાવો ભાથુભઈનાં; ગુજરિયાં મેલાવો રે.

શોંતકો કરાવો ભાથુભઇની; શાંતકો કરાવો રે.

સાહેલીઓ તેળાવો ભાથુભઈની; સાહેલીઓ તેળાવો રે.

ધોળ મંગળ ગવરાવો ભાથુભઈનાં; ધોળ મંગળ ગવરાવો રે.

ધોળો ધોડો શણગારે ભાથુભઈ; ધોળો ઘોડો શણગારે રે.

પિત્તળિયાં પલાણ ભાથુભઈ; પિત્તળિયાં પલાણ રે.

સોનેરી લગોમો ચડાવે ભાથુભઈની; સોનેરી લગામો ચડાવે છે.

રૂપેરી મોઈરો ચડાવે ભાથુભઈ; રૂપેરી મોઈરો ચડાવે રે.

કૂદીને અસવાર થયા ભાથુભઈ; કૂદીને અસવાર થયા રે.

આઈવા છે સોનગઢ ગોંમ ભાથુભઈ; આઈવા છે સોનગઢ ગોંમ રે.

પે’લો મંગળ વરતાયો ભાથુભઈ; પેલો મંગળ વરતાયો રે.

બીજો મંગળ વરતાયો ભાથુભઈ; બીજો મંગળ વરતાયો રે.

તીજો મંગળ વરતાયો ભાથુભઈ; તીજો મંગળ વરતાયો રે.

આંતરસૂંબાની ફોજો આઈ ભાથુભઈ; આંતરસૂંબાની ફોજો રે.

ઘેરું છે ફાગવેલ ગોંમ ભાથુભાઈ; ઘેરું છે ફાગવેલ ગોંમ રે.

ધરમની તારી બે’ન ભાથુભાઈ; ધરમની તારી બે’ન રે.

લગી કાગળિયાં મોકલે ભાથુભઈને ; લખી કાગળિયાં મોકલે રે.

બે’નીને ભીડો પડીઓ ભાથુભઈ; બે’નીને ભીડો પડીઓ રે.

પવને કાગળિયાં મોઈકલાં ભાથુભઈ; પવને કાગળિયાં મોઈકલાં રે.

વા’રે વે’લા તમે આવો ભાથુભઈ; વા’રે વે’લા તમે આવો રે.

ચોથા મંગળે ચાઈલા ભાથુભઈ; ચોથા મંગળે ચાઈલા રે.

વરમાળ તોડી નાઠા ભાથુભઈ; વરમાળ તોડી નાઠા રે.

કૂદીને અસવાર થયા ભાથુભઈ; કૂદીને અસવાર થયા રે.

રણમેં પડે રણ ઘાવ ભાથુભઈ; રણમેં પડે રણ ઘાવ રે.

બાશ્યાને કેદ કઈ રો ભાથુભઈ; બાશ્યાને કેદ કઈરો રે.

ફોજો પાછી વાળી ભાથુભઈ; ફોજો પાછી વાળી રે.

બે’નીને ઘોડલે લીધી ભાથુભઈ; બે’નીને ઘોડલે લીધી રે.

શીર પડે ને ધડ લડે ભાથુભઈનું; શીર પડે ને ધડ લડે રે.

સોનાનું છતર ચડાવું ભાથુભઈ; સોનાનું છતર ચડાવું રે.

લીંબળા નીચે તારું થાન ભાથુજી; લીંબળા નીચે તારું થાન રે.

વનમેં ચરે તારી ગાયો ભાથુજી; વનમેં ચરે તારી ગોયો રે.

દૂધ પીવાની તારી ગાવડી ભાથુજી; દૂધ પાવાની ગાવડી રે.

ડસિયો તંબોળી કાળો નાગ ભાથુજી; ડસિયો તંબોળી કાળો નાગ રે.

વા’રે વેલા આવો ભાથુજી; વા’રે વેલેરા આવો રે.

ગાવડીનાં વખ વારો ભાથુજી; ગાવડીનાં વખ વારો રે.

રસપ્રદ તથ્યો

ભાથીજી, ભાથુજી, ભાથુદેવ કે ભાથીખત્રી નામે ઓળખાતા દેવનું આ ગીત છે. પંચમહાલ જિલ્લાના ફાગવેલમાં તેમનું મુખ્ય સ્થાનક છે. પંચમહાલના કંડાચ, દેલોલમાં પણ તેમનાં પ્રખ્યાત સ્થાનકો છે. વડોદરા જિલ્લાના તિલકવાડા તાલુકામાં ‘ભાદરવા દેવ’ નામે ઓળખાય છે. ભાદરવાની ડુંગરી પર મોટું સ્થાનક છે. ઠેઠ દક્ષિણ ગુજરાત સુધીમાં એમનાં સ્થાનકો ગામે ગામ હોય છે. અમદાવાદ તરફ ‘ઘોઘા દેવના નામે’ અને સૌરાષ્ટ્રમાં ‘ઘોઘ ચૌહાણ’ તરીકે જાણીતા છે. અહીં આપેલું ગીત તંબૂરા ભજન તરીકે ભજનમંડળીમાં હાવેળ (શાવળ) ભજન તરીકે અને સ્ત્રી-પુરુષોમાં ગરબા તરીકે ગવાય છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 225)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, શંકરભાઈ સોમાભાઈ તડવી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966