sitajini shodh - Lokgeeto | RekhtaGujarati

સીતાજીની શોધ

sitajini shodh

સીતાજીની શોધ

સરસતી સમરું શારદા રે, ગણપત લાગું પાય, મારા વા’લામાં!

લસી કાગળ રામ મોકલે, રે હનમા વે’લા આય, મારા વા’લમાં!

પવન વેગથી પરહર્યા રે, જઈ પડ્યા લંકા માંય, મારા વા’લમા!

આડું આવળું જોઈ વળ્યા રે, વાડીમાં દીઠાં નઈ કોય, મારા વા’લમાં!

આડું અવળું જોઈ વળ્યા રે, ત્યાં દીઠાં સીતવા માય, મારા વા’લમા!

ચિયા રે દેશથી આવિયા રે, વળી ચિયાં તમારાં ગામ, મારા વા’લમા!

કેણે રે તમને મોકલ્યા રે, વળી શુંય તમારાં નામ, મારા વા’લમા!

ઓત્તરખંડથી આવિયા રે, વળી અજોધા અમારાં ગામ, મારા વા’લમા!

શ્રી રામે અમને મોકલ્યા રે, વળી હનમો મારું નામ, મારા વા’લમા!

એટલું સાંભળ્યું ને સીતા રોયાં રે, લોચનિયે આંહુડાંની ધાર, મારા વા’લમા!

હનુમો આંહુંડા નોંધતા રે, ભેંજાયા સતીનાં ચીર, મારા વા’લમા!

રોવો નહિ, મા, રૂદન ના કરશો રે, ધીરપ રાખો રે ધારણા, મારા વા’લમા!

એવા રે બળિયા જોધા આવશે રે, ભેળા આવશે લખમણ વીર, મારા વા’લમા!

સાત સમદર જળે ભર્યા રે, એનાં નીર તો અપરંપાર, મારા વા’લમાં!

એવા રે સમદર ચ્યમ ઓળાંડશો રે? આંય જોધા વિકરાળ, મારા! વા’લમાં!

સાત સમદર ચૂ લેઉ રે, પાણી ઉપર બાંધુ પાળ, મારા વા’લમા!

લંકા તે ગઢનો રાવણો રે, એને દહ માથાં ને વીહ હાથ, મારા વા’લમા!

દૈત્ય મહા જોરાવર કામઢો રે, એને જીતવો નથી સે’લ, મારા વા’લમા!

ગઢના કાંગરા તોડી નાખું રે, એના માથાં ને હાથ વીંધાઈ જાય, મારા વા’લમા!

રજા નથી મારા રામની રે, પલમાં તોડું લંકાનો કોટ, મારા વા’લમા!

રાજા રાવણ એવો અટારો રે, નવ ગ્રહો તીના ઢોલિયે, મારા વા’લમા!

બાર મેઘ જેનાં પાણી ભરે રે, એના વાસંદા વાળે વાય, મારા વા’લમા!

નવ તે ગ્રહને નાખું સમદર રે, બાર તે મે’ને જીતી લઉં, માર વા’લમા!

અઢાર લખણી સેન આવિયું રે, તોડી લંકા, માર્યો રાય, મારા વા’લમા!

ગાય, શીખે ને સાંભળે રે, એનો વૈકુંઠ હોજો વાસ, મારા વા’લમા!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 121)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પુરષોત્તમ સોલંકી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968