tintoDo - Lokgeeto | RekhtaGujarati

ટીંટોડો

tintoDo

ટીંટોડો

એક ત્રીસ વરસનો ટીંટોડો, ટીંટોડી નાની બાળ, બોલે ટીંટોડો.

એની મોંઢામાં દુધિયા દાંત, બોલે ટીંટોડો.

એક નાનેરી છોડી છાણા વેણતી’તી,

એને ભરવાડના છોકરે દીઠી’તી; બોલે ટીંટોડો.

છોડી, છાણા તે તારે શુંય કરવા?

હાલ હાલને આપડે ગામ; બોલે ટીંટોડો.

જા જા રે ભરવાડના છોકરા,

મારા છાણાં ના અભડાય; બોલે ટીંટોડો.

એવું કે’તી, પણ મીઠડાં લેતી’તી,

એણે તાણીને માર્યાં તીર; બોલે ટીંટોડો.

ભરવાડના છોકરે પૂછ્યું’તું,

સામા આવે કોણ? બોલે ટીંટોડો.

આગળ આવે મારો વીરલો,

વાંસે આવે મારા બાપ; બોલે ટીંટોડો.

એક ત્રીસ વરસનો ટીંટોડો.

ટીંટોડી નાનુ બાળ... બોલે ટીંટોડો.

એના મોંઢામાં દુધિયાં દાંત, બોલે ટીંટોડો.

ભરવાડના છોકરે પૂછ્યું’તું,

છોડી મારગડો દેખાડ; બોલે ટીંટોડો.

ડાબો તે માગર હળવદનો,

જમણો ધાંગધરા જાય; બોલે ટીંટોડો.

હળવદના મારગે હાલ્યો જાય,

જઈ પોંચ્યો ધાંગધરા માંય; બોલે ટીંટોડો.

છોડી ઊભી ઊભી જોતી’તી,

ધારીને મારતી બાણ; બોલે ટીંટોડો.

રસપ્રદ તથ્યો

બદરખા ગામના શ્રી. પુંજાભાઈ પાસેથી આ ગીત પ્રાપ્ત થયેલ છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 111)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પુરષોત્તમ સોલંકી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968