waDangar raliyamanun re - Lokgeeto | RekhtaGujarati

વડનગર રળિયામણું રે

waDangar raliyamanun re

વડનગર રળિયામણું રે

(રાગ મારુ)

વડનગર રળિયામણું રે, વસે નાગરી ન્યાત :

ધન ઘણું, લક્ષ્મી ઘણી રે, રૂપવંતી નાર :

તો વર નાહાના માટે રાજ

અભાગીઓ મોટો થાએ રે, સાસરી વેઠી જાએરે! —1

નાગરી ને નાહાને વેશે રે, હીંડતી તે છૂટે કેશે રે!

આવડું નોહોતું જાણ્યું રે, સહીએર! તાહારૂં કહ્યું માન્યુ રે;

માટીડો મોટો ના થાએ રે, સાસરી વેઠી જાએ રે! —2

કુભેશ્વર તુંને વીનવું રે, અજેપાલ લાગું પાય :

મસ્તક પૂજા જે કરે, તેહેનો પરણ્યો મોહોટો થાય રે

—એ તો વર નાહાના માટે રે,

લાગ્યું માહારા જીવને સાટે રાજ! —3

આસો વદ અમાવસ્ય, પરણ્યો આવે ઘેર :

નાગો થઈને પોતીઉ નીચુએ, હવે માહારા જીવ્યાની શી પેર? –એ તો. 4

સાંઝ પડે ને સાસરડે જાયે આપણે તે કાંહાં જઈયે?

હીણવરૂ હઈડામાં સાલે, ચાલો સ્વામી કુંભેશ્વર જઈએ –એ તો. 5

દલહીણો ને દયામણો રે, દીઠે દાઝે દેહ :

દઈવ! તુંને દયા શેં આવી? હઈઅડે તે પડીઆ છેહ! –એ તો. 6

અકરમી ને અભાગીયો રે, હસતા હીંડે લોક :

સાસરે જઈને સું કરૂં? માય બાપને મૂકું પોક? –એ તો. 7

વડનગર રળિઆમણું રે, વસે છે નાગર લોક :

નાહાનો વર ને મોહોટી કન્યા, તેનો વિવા’ કરજો ફોક— —એ તો. 8

મીઆ શેખ! તને વીનવું રે, તરવાર માગી આપો :

આજ અમારે કામ પડ્યું છે, રખે વચન ઊથાપો –એ તો. 9

તરવાર લઈને સાંચરી રે, સામી મળી છે માશી :

“શીરાવવાની વેલા થઈ છે, તું હેલી ફરજે પાછી” –એ તો. 10

રાવલ-વાવે નાહી કરી રે, સૂરજને અરઘ દીધો :

“કુંભેશ્વર મેં શું પાપ કીધું? મુને હીણાવરો વર દીધો?” –એ તો. 11

“કુંભેશ્વર સ્વામિ! તુંને વીનવું રે, તું સાચો શંભુ ઈશ :

હીણવરનું ! દુઃખ ટાલજો” એહેવું અહીને ચઢાવ્યું શીશ. –એ તો. 12

પુરમાં હાહાકાર પડ્યો રે, સહુકો જોવા ચાલ્યું :

સ્વામી કુંભેશ્વરના ડેરામાં હાં, કઈ સતીએ ઘર ઘાલ્યું –એ તો. 13

ઊંટે ચઢી રબારી રે આવ્યો, તેણે બુંબ દીધી :

“સ્વામી કુંભેશ્વરના ડેરામાં, કોણે મસ્તકપૂજા કીધી?” –એ તો. 14

વડનગર રળિઆમણું રે, વસે નાગર લોક :

સાસરે જઈને શું કરૂં, માબાપને નામે મૂકું પોક. –એ તો. 15

વડનગર રણિયામણું રે, વસે નાગર લોક :

સખીએ શીશ ચઢાવી ઉં તે તો નાહાના વરનો શોક –એ તો. 16

વડનગર રણિઆમણું રે, ગામમાં બોહોળો વાસ :

નાહાના વરને પરણાને, તેહેનું જાજો સત્યાનાશ! –એ તો. 17

માશી તે રોતી નીસરી રે, માડી કુટે પેટ :

“દીકરી! તું શાને અવતરી? માહારે પેટે પડી શેં નહીં વેઠ? –એ તો. 18

ભાણેજા વઈદ તેડાવીઓ રે, તેણે જોઈ નમાવ્યું શીશ :

વાગ્યામાં બાકી નથી, હેને ઊગારે શ્રી જુગદીશ. –એ તો. 19

પંદર દાહાડા પરદે રાખી, પછે ઘાલ્યું માથે પાણી :

સખીએ શિશ હણ્યુ, વાત જુગતમાં જાણી :–એ તો. 20

હેલી વારની ઊગરી રે, હવે મરું વિષ ખાઈ :

માનલીઆ સુત વરીમાજીએ, તેણે મસ્તક પૂજા ગાઈ :–એ તો. 21

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 72)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963