nano naholiyo - Lokgeeto | RekhtaGujarati

નાનો નાહોલીયો

nano naholiyo

નાનો નાહોલીયો

બાઈજી કેરો બેટડો રે, નણદી કેરો વીર :

દેખી દેખી મારા નાહને, મૂંને નયણે ઝરે છે નીર રે :

નણદલ, કહો તે મહિયરિએ જાઉં રે—

નણદલ, કહો તો ભેરવજય ખાઉં રે—

નણદલ, નરસિંઘ નાહાનો નાહલો—એ ટેક.

દિને ચારે ધોરીડા ને રાતે રમવા જાય :

આવી સૂતો મારી ઓસરી, મૂંને ઘણી રે વિમાસણ થાય રે :

—નણદલ, કહો તો.

ઢેલ વિયાણી ઢીંકવે, ને કુંજ વિયાણી બેટ :

બાઈજી વિયાણાં બેટડે : કાં પાહોણો પડિયો પેટ? રે :

—નણદલ, કહો તો.

ઘોડો ભલો પણ દૂબલો, ને નાગર ભલો પણ દૂર :

નાહ ભલો, પણ નાનકડો, મારાં એયે ગયાં સૌ નૂર રે :

—નણદલ, કહો તો.

સાગ સીસમનો રેંટિયો રે, ખારા મોલાની ત્રાક :

સાસુ જાણે વહુ કાંતશે ... ... ... રે :

—નણદલ, કહો તો.

સાગ સીસમનો ઢોલિયો, ને લવિંગ કેરી ઈસ :

હું ને મારો પિયુ પોઢિયા, કઈં યે હસી ના બાંગી રીસ રે :

—નણદલ, કહો તો.

બાળું બ્રાહ્મણ! તારૂં ટીપણું, ને ત્રોડું જનોઈના ત્રાગ :

ભૂંડા! તેં અવળાં સવળાં લગન લખ્યાં, તુંને કરડે કાળુડો નાગ રે :

—નણદલ, કહો તો.

મારે આંગણે માંડવો ઘાલિયો, ને માથે છાયો છે દાભ :

હું ને મારા પિયુ ચોરીએ ચડ્યાં, તંઈયે ત્રૂટી પડિયો આભ રે :

નણદલ, કહો તો.

કાઠા ગોધૂમની રોટલી, ને માળવિયો ગળ માંહ :

ચોળી ચોળીને ચૂરમાં બંધાવું, જાણું માંડ મોટેરો થાય રે :

—નણદલ, કહો તો.

સસરાની વેળા ખીચડી, ને નાહોની વેળા દૂધ :

તો દહાડે દિંયે જાય સોસાતો, જેણે ખાટે કીધાં જૂધ રે :

—નણદલ, કહો તો.

સસરે સાંતિ જોડિયું, ને નાહ ખેડવાનિં જાય :

ઉથલે ઉથે લડ થડે, એવો અવતાર એળે જાય રે :

—નણદલ, કહો તો.

ઓલ્યે કંઠ ખેલ રમે, સહુ સહુ જોવા જાય :

આણે કાંઠે હું એકલી, મારો કોય સંગાથી થાય રે :

—નણદલ, કહો તો.

ગાઈયું ભવાઈએ ભ્રામણે, ગાયું ચારણ ભાટ :

ગાઈયું કલમી કણબણે, તો નાના નાહોલિયા માટ રે :

—નણદલ, કહો તો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 76)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963