ram rawanno saloko - Lokgeeto | RekhtaGujarati

રામ રાવણનો સલોકો

ram rawanno saloko

રામ રાવણનો સલોકો

સરસ્વતી મારા અવિચળ વાણી, આપો અકલ તો કહીએ પ્રમાણી,

અમે સલોકો કહીએ છીએ સારો, દાસ માતાજી છીએ તમારો. 1

કાલાઘેલા ને શારદા સતિ, આપો અકલ કંઈ જાણતા નથી,

મુરખ મૂઢ ને અજાણ્યા અમે, મે’ર કરો ને માતાજી તમે. 2

અવળાં વેણ કાઢીએ અમે, પાંસરાં કરો માતાજી તમે,

કહે શારદા સાંભળ સઈ, કહીએ સલોકો ચૉકમાં જઈ. 3

ચડી ચાનક ને કરો ખોંખારો, કહીએ સલોકો દીયો હોંકારો,

રામ રાવણનું જુધ વંચાશે, ઉપર સીતાનું હરણ થાશે. 4

રાજા જનકને ઘેર કુંવારી, તેનું નામ છે સીતવા નારી,

તેને ઇચ્છા વર વરવાની થઈ, ઢાળી ધનુષ ચૉકમાં જઈ. 5

બળિયો હશે તે ઉપાડી લેશે, તેનું ઘર તો સીતા ભોગવશે,

રાજા જનકે ભૂપ તેડાવ્યા, અમે તમારા કાન જગાડ્યા. 6

રાવણ કહે છે સબળ સારું, ધનુષ તો થયું અમારું,

રીસ કરીને ઊઠ્યો છે રાણો, જઈ ધનુષે હાથ ચંપાણો. 7

રામની પાસે લક્ષ્મણ રહ્યા, બીજા જતિ તો ખસી પણ ગયા,

લક્ષ્મણ કહે છે રામજી ભાઈ, આપણ ઘેર આદ વડાઈ. 8

શાદુલા માથે સિંહાસન છીએ, કેશરી સિંહને કાંધાંળો કહીએ,

જમનાના તીરે જઈ જળ પીધો, ટચલી આંગળિયે ગોવરધન લીધો. 9

માર્યો આગાસુર દઈત અખેડો, બગાસુર પેઠે હુવો અંગારો,

સાત સાયરની ઘૂંટ તો ભરી, વેણ સાંભળી ચાનક ચડી. 10

લઈ ધનુષને ઉંચું તો કર્યું, તાણી શીંગાંને ભેગુ કર્યું,

ધરણી ઘ્રુજે ને મેરુ હડેડે, ઉંચેથી જામે આભ ગડેડે. 11

ધનુષ ચડાવી ચાપને કડે, જળ સમુદ્રના ચડીઆં હીલોળે,

ધરણી ઘ્રુજતા નાગણીઓ દીઠી, સ્તુતિ કરવા સુંદરીઓ બેઠી. 12

સુંદરી કહે છે સુણો દિયાળ, જમીં ગઈ છે રસાતાળ,

મણિધન કહે છે ઘેલી શું થઈ, જમીં તો અહીંથી જાશે નહીં. 13

રાજા જનકને ઘેર જે સીતા, બાણ ચડાવી રામજી જીત્યા,

તેને પડછંદે ધરણી ધ્રુજી, અકળ બુદ્ધિ તો નાગણીને સૂજી. 14

રાજા જનકે ચોરી બંધાવી, આલા લીલા વાંસ વઢાવી,

ત્રાંબા-પિત્તળની ચોરી વસાવી, આસોપાલવના તોરણ લાવી. 15

પહેલું મંગળ હરતા ને ફરતા, બીજું મંગળ ચોરીમાં વરતા,

ત્રીજે મંગળ પરણ્યા કુંવર, ચોથે મંગળ પીરસ્યો કંસાર. 16

પરણી પધાર્યા દેવ દુવાર, જઈ બેઠા છે મહેલ મોઝાર,

રામ લક્ષ્મણ દોનું છે ભાઈ, ભક્ત કેરા કહેવાતા જાઈ. 17

સાધુ-સંતની પુરતા આશ, કૈકેઈની સારુ ચાલ્યા વનવાસ,

રામચંદ્ર અને સીતા સતિ, ભેળા ચાલ્યા છે લક્ષ્મણ જતિ. 18

લક્ષ્મણ કહે છે રાખો હિંમત, ડુંગર આવશે મેરુ પર્વત,

ઊંચા ડુંગર ને નીચા ગાળા, હેઠ રમે છે કાન ગોવાળા. 19

ચોમેર ડુંગર વચમાં ગાળી, રામે ત્યાં જઈ મઢૂલી વાળી,

લક્ષ્મણ કહે છે રામજીભાઈ, ફૂલવાડી કરો અહીં સવાઈ. 20

કેળ્યુ કેતકી ને કેવડા મોટા, આકાશે દીસે સાગના સોટા,

જાઈ જાવંત્રીને એવા કદમ, પીળા પાને સુરજનાં બિંબ. 21

પાકલ લીંબુમાં નથી કંઈ મણા, પાક્યા બોર ને નારંગી ઘણાં,

ચંપા ચમેલી ને આંબાની શાખ, તેથી મીઠી છે લીલવા ધ્રાખ. 22

ગુંદી-ગુંદો ને દીસે ગણગોટી, મોટા ઝાડમાં કરણની સોટી,

વાંસડા ગર તો પુરાને પુરી, કરતિ કપૂરી શબ્દ મધુરી. 23

ફરતી વાડ્ય છે દાડમ કેરી, પડખે રોપી છે વેલ્ય મધુરી.

માંહી ખાખરે કાઢ્યા છે ડાળાં, રૂડા રૂપાળાં કેસુડા પીળાં. 24

પીલુ, પપૈયા જાંબુડા ભાખ્યા, બાવળ બેલી ને ફૂલડાની માળા,

અંજીર આદુ ને લીલા ગુવાર, માંહી શોભા છે અપરંપાર. 25

મોટો વડલો તો પરાગને પાને, ખજૂરી દીઠી મીઠી આસમાને,

મહુડા મરવાને રાણ્યુ રસાળી, ડોલર ડાળ્યુ નેતર ભાળી. 26

લીલા ને પીળા પચરંગી કેળાં, કાળી ને ધોળી તે સુરજની કળા,

વનફળ લેવાને ભગવાન ગયા, સીતા પાસે લક્ષ્મણ રહ્યા. 27

ત્યાંરે બેઠાં’તાં સીતવા સતિ, ખોળે ઉંઘતા લક્ષ્મણ જતિ.

વનફળ લઈને આવ્યા ભગવાન, ઉડ્યાં પાન ને દીઠાં નગન. 28

રામને હૈયે ઉપજ્યો કાળ, મેલી વનફળ ને ચડાવ્યું બાળ,

ડાયે ડા’પણ વિચારી જોયું, પોતાના મનમાં ચિત્ત પરોવ્યું. 29

એકલે હાથે નહીં પડે તાળી, એમ વિચારે મન વનમાળી,

એકલું હોજો વનમાં ઝાડ, હું કેમ તોડુ બંધુ કમાડ. 30

મરઘો આવ્યો વાડી વીણવાને, ધનુષ લઈને ધાયા ભગવાન,

પડતા મરઘડે નાખી છે ચીસ, ધોડ્ય બંધવ લક્ષ્મણ દિશ. 31

દોડ્યા જતિ ને પીધું છે નીર, સીધા દોડ્યા સામે રે તીર,

લક્ષ્મણ આવ્યા રામની પાસ, રામ કહે છે લક્ષ્મણ વીર. 32

એકલી મઢી ને અહીં શું આવ્યા? રાક્ષસ જાશે મઢીમાં ફાવ્યા,

સૂની મઢી ને સૂની છે નારી, વસે જંગલમાં દૈત્ય હજારી. 33

સીતા એકલી વન મોજાર, માટે લક્ષ્મણ જો તત્કાળ,

જોગી વેશે રાવણ થયો, ભિક્ષા માગવા મઢીએ ગયો. 34

કુડે મોંએ કંઈ માગીશ નહીં, હૈયાની ખાંતે હારીશ નહીં,

સીતા લાવે છે વનફળ થાળ, ત્યાં તો આડી છે રામની આણ. 35

કેમ લોપાય નાથની આણ, આણ લોપતાં જાય પ્રાણ,

જીવતા કાઢે પ્રાણ તે અખ્યા, લેને જોગીડા તું છૂટી રે ભિક્ષા. 36

છૂટી ભિક્ષા મારે કામ આવે, પાવડી ઉપર પગ ધરાવે,

સંત કહે ભિક્ષા આપોને અમને, નહીં તો પાપ લાગશે તમને. 37

સીતાજી ચરણ વિચારી મેલે, લઈ સીતાને રાવણ ઠેલે,

પંખીડે તો માંડ્યો પોકાર, મોર બપૈયા કરે હોંકાર. 38

ચકવો ને ચકવી ડાળ્યે રે બોલે, કોયલ ઘાંટડા તાણીને બોલે,

મઢીએ કાગડા બોલતા દીઠા, કરેડીને રામ હેઠા બેઠા. 39

રામની આંખે તો અષાઢ ઝરે, તેની સ્તુતિ લક્ષ્મણજી કરે,

ચૌદ ભુવનના મોટા મહારાજ, કલ્પાંત કરોમાં તમે તો આજ. 40

સીતવા સારુ શું રોવા બેઠા, એમ બોલીને લક્ષ્મણ બેઠા,

પતિવ્રતા ને દેવી છે સીતા, લાખે મળશે જાનકી સીતા. 41

એક તેડાવો બળિયો હનુમાન, કાઢે ખબર આપે ફરમાન.

તેના દેશમાં ખબર કઢાવો, એવું સાંભળી વાંદરો આવ્યો. 42

તેનો દેશ તો લ્યોને ખંખોળી, ખૂણે ખાંચરે લ્યોને ઢંઢોળી,

મુખે વાત હતી ભગવાન, એવે આવ્યા છે જતિ હનુમાન. 43

આવી નમાવે ચરણે શીશ, માથે હાથ મેલે જુગદીશ,

તમારાં દર્શન અમને થીયાં, પંડથી પાપો વેગળે ગયાં. 44

રામ કહે છે હનુમાન રે જતિ, રાવણ લઈ ગયો સીતા સતિ,

આગે રાવણ લંકાનો કોટ, દિએ બળિયો કોટને સોટ. 45

જમને દેખી મૂછ તો મરડે, ઘરે વિધાતા કોદરા ભરડે,

ગ્રહ બાંધતા ઢોલિયે રાજ, ઘેર પવન તો પાણી ભરે આજ. 46

સુરજ કિરણે રસોયું ચડે, સામસામા તો દૈત્યો બરાડે,

એવો રાવણ મહા બળવંત, એને જીતે જતિ હનુમંત. 47

હનુમાન કહે સાંભળો ભગવાન, આપો આજ્ઞા તો મારીએ શ્વાન,

નહીં તો હૈયામાં મારે છે હામ, મારી રાવણને કરવું છે કામ. 48

કો’તો લંકાને ખોદી કાઢું, કો’તો લંકાને અધર ઉડાડું,

કો’તો લંકાને ત્રાજવે તોળું, કો’તો લંકાને સાયરમાં બોળું, 49

કો’તો લંકાને લાવું તમ પાસ, હુકમ ઉઠાવવા તૈયાર દાસ,

માથે હાથ મેલે ભગવાન, મુદ્રિકા લઈ ચાલ્યા હનુમાન. 50

બળ પ્રમાણે ઠેકડો માર્યો, પાળ મેલીને લંકામાં પડ્યો,

ગલોટ મારીને બેઠા રે થયા, પાણીયારી પાસે પૂછવા ગયા. 51

તારી નગરીના શાં શાં રે નામ? ભાઈ તારે પૂછવાનું શું કામ?

ત્યારે કહે છે સુણોને વીર, માથે કુંભ ને ભર્યું છે નીર. 52

મારગ બતાવત પધારો વીર, પણ માથે ભરીને મેલ્યું છે નીર,

પેલા પૂણ્ય તો જઈશું હારી, રામને નામે રહેશે નોધારી. 53

અમને મારગ બતાવો નારી, એમ બોલ્યા બાળબ્રહ્મચારી,

ત્રાહીને બેઠા હાથે અરેડી, સામા ઝરુખા તે રાવણની વાડી. 54

એક ઝાડ તો આસોનાં ભાળ્યાં, તેની નીચે તો સીતા નીહાળ્યાં,

જઈ મુદ્રિકા મૂકી પડતી જ્યારે, ત્યારે જાનકી મન વિચારે. 55

ત્યારે સીતાએ મન કર્યો વિચાર, હોંશ કરી ઉંચે જોવા આવાર,

બેઠો છે વાંદરો મરડી છે મૂછ્યું, ખાવાનું વાંદરે માતાજીને પૂછ્યું. 56

ડાંગ મારીને રાવણનું દુઃખ, ખોદી કાઢશે આપણું સુખ,

જેની ફૂંકે તો મેરુ ફાટે, લેશે પ્રાણ તો બોરને સાટે. 57

રાવણથી તો બીતાં રહીએ, એમ વિચારે જાનકી હૈયે,

રાવણની બીક નહીં હૈયે ધરતા, એમ કહે વીર જતિ હનુમંતા. 58

હનુમાનજી કહે છે સુણોને સીતા, આપો આજ્ઞા તમો માતા.

કો’તો લંકાને ખોદી કાઢું, આપો રજા તો વનફળ પાડું. 59

જો બહુ ક્ષુધા વ્યાપી હોય, પડ્યા વનફળ ચાખજો સોય,

પડ્યા વનફળ વીણીને ખાજો, એવી બીક તો રાખીને જાજો. 60

હનુમાન કહે સુણો જાનકી સતી, જાણે રાવણ લંકાનો પતિ,

એમ કહી ચાલ્યા નિર્ધાર, જઈને ઊભા છે વાડી મોજાર. 61

પાકેલ ભાર અઢાર ફળેલ, પાકેલ શાખ આંબાની ડાળ,

પાકેલ દ્રાક્ષ ને દીઠા આંબા, ખેંચી ઉંબેળી સુવાડ્યા લાંબા. 62

ખેરી ખંખેરી, જેરી ઝંઝેરી, ક્રોધાળો વનફળ ખાય ખેરી,

ચંપો મરવો ને નાગરવેલ કેરી, કીધુ છે પાસું કરી પથારી. 63

તેણે દીઠી પાકેલ દ્રાક્ષ, માંહી ઠંડી છે આંબાની શાખ,

થડ ઝાલીને ભોંય પછાડી, જાણે ગાજી બીજ અષાઢી, 64

વીણી જુએ તો ધુડાળી ભાળી, સામી આંબાની ડાળ નિહાળી,

પડતી મેલીને આઘેરા હાલે, લીંમડા ફળ તો મોંમાં ઘાલે. 65

જેમ જેમ થઈ ઉતાવળા ચાલે, તીમ તીમ વચમાં વનફળ ભાળે,

આડે આવે તેને ઉંબેળી નાખે, મીઠું જાણી મોંમાં નાખે, 66

મોટા વડલા દીઠા બે ચાર, છાંયા પડે ફૂલવાડી મોજાર,

હેઠે ખેલે રાવણો શિકાર, હનુમાનને તાંણે ઉપજ્યો ખાર. 67

ખેંચી નાખ્યો વડવાઈ સમૂળો, જેમ ઉડાડે ઘાસનો પૂળો,

પડતો મૂકીને આઘેરા હાલે, તાડના ઘેરા નજરમાં ઘાલે. 68

ઢૂંકી ઘમેડી પાડ્યા છે હેઠા, ચુંથી નાખ્યા છે પીપર પેપા,

ખેંચી ખજૂરી ને ખેંચ્યા પપૈયા, ખેંચ્યાં વનફળ કંઈક અછોયાં. 69

વરસે ઘૂટત બોર છે પીળા, કેળ મહીં દીસે લાલ લંગેરા,

બકલ બેલીનો બાવળ હરમા, રીંસના માર્યા ઝાલ્યા છે કરમાં, 70

કરણી કરો ફૂલે ભરેલી, ખુંદી ખંખેરીને નાખી છે ઠેલી,

ઉપર લાવે છે ખીજડે ખેરી, અંજીર આદુ રંગે ભરેલી. 71

પાસે રે જઈને પાયે લાગે, સ્વામી તમારાં જડબાં ભાંગે,

દો રૂપે તમારી દેખી કાયા, ભરમને અડી છે માયા. 72

પાસે જઈને, આઘેરા હાલ્યા, પાટુ મારીને ઉંબરા પાડ્યા,

એમ કરીને ઉતાવળું કુદ્યા, ગુંદો ગુંદીને સમૂળા ગુંદ્યા. 73

સરગવા પાસે સરસવો દીઠો, પાટુ મારીને ભોં ભેગો કીધો,

મનગમતાં તો વનફળ ચાખ્યાં, એક ઝાડ તો આસોનાં રાખ્યાં. 74

ઉગમતે શૂરે આવ્યો છે માળી, જઈ વાડીમાં રહ્યો નીહાળી,

વાડીના દીઠા ઊંધાં મૂળ, નજરે દીઠી ને ઉપજ્યું શૂળ. 75

વળિયો માળી લંકા પર હાલે, માથાનાં બાંધણ તો કાખમાં ઘાલે,

પડતો આખડતો ઝાંપલે આવ્યો, રડતો રડવડતો સભામાં આવ્યો. 76

સાંભળો રાજન વાત અમારી, વાડી ઉંબેળી નાખી તમારી,

રાવણ પાસે ખાધી છે રાવ, કીધું વૈરાને હતો ભાવ. 77

લઈ દારુમાં દેવતા નાખે, રાવણ કાને શબ્દ ભાખે,

સિંહની બોડમાં ગર્યો અબૂધ, લઈ ગદા ને થાય જુધ. 78

ઊઠો દૈત્યો ખડગ ખંખેરો, ઊભા થઈને વાનરને ઘેરો,

રાવણ સાંભળીને કાળ ચડ્યો, ગદા બાણ ને તીરજ અડયો. 79

ઊભો વાડીથી જઈ એક કોર, એકલો વાંદરો ને મંડાણો શોર,

લઈ એક ઝાડ આસોનું રંગી, આગે બળિયો ને હતો બજરંગી. 80

માથે હાથ ફેરવે જાનકી, હૈયામાં હિતો રાખે છે જાનકી,

શાદુલા માથે કેમ ગજાવું, મારી વાડીમાં આદુ વવાયું. 81

આવ્યા દઈ તો નથી કાંઈ મણા, ગોફણે થાલી ઉડાડે પાણા,

લોઢાના ગોળા જંતરડે નાખે, વાંદરો નામ રામનું ભાખે. 82

ભારે અસરે ને ફૂંકે નાળ્યું કરી હલા ને દે છે ગાળ્યું,

સીંધવા કેરી હાંક વાગી, જાણે વાંદરો જાશે ભાગી. 83

ભેનો માર્યો જાયે ભાગી, એટલી વાત તો હૃદયે લાગી,

રાવણ પૂછે છે વાંદરા વીર, કેમ પડે તમારું શરીર? 84

અમે કહીએ તે તમે કરો, જઈને ઊભા અનહર સાંચરો,

સીતા હર્યાનો ચડ્યો અંબાર, વીંટી પૂંછ ને મેલો અંગાર. 85

રાવણ લંકા ઉપર સાલે, થાપણુ કાઢીને દૈત્યોને આલે,

પીળા પટા ને ખાખરી કોર, વીંટી પૂછડે કરે છે શોર. 86

બહુ કવદા કરી નહીં પાર, વીંટી પૂછને મેલો અંગાર,

કૂદી હનુમાન આકાશ ચડે, રાવણના પેટે ધ્રાસકો પડે. 87

સિંહનું કીધું દઈતોએ દીધું, રાવણે હાથે મોત માગી લીધું,

ભૂંસી રાખ ને થયા વૈરાગી, ત્યાંથી હનુમાન નીકળ્યા ભાગી. 88

બિલોરી મહેલ તો રાવણના બાળ્યા, તેમાં તો પે’લા રાવણના ટાળ્યા,

રાવણથી તો બીતા રહીએ, એમ વિચારે જાનકી હૈયે. 89

બાળી અગાશી ને દોઢી દરવાજા, બાળ્યા કનક ને સોનાના છાજાં,

બાળ્યા પાવઠા ને પોળ્યું પડાળ્યું, બાળી દીધાં છે હાટું ને ઓળ્યું. 90

બાળી શેરીને ચૌટા સોતી, બાળી કેશરી સિંહાસન સોતી,

મોટા દઈતો તો સ્થાને વસતા, અગ્નિ આગળ હાથ રહ્યા ઘસતા. 91

વિભીષણ હાથે માળા લીધી, એણે સ્તુતિ રામની કીધી,

રાખ્યા સ્વામી રહીએ તમારા, સદાય છીએ સેવક તમારા. 92

મો’લ રાખ્યા વિભીષણ તણા, બીજા બાળ્યા તેમાં રાખી મણા,

ત્યારે હનુમાને કર્યો વિચાર, મારે જાવું છે શાયર મોઝાર. 93

કૂદી હનુમાન નજરમાં ઘાલી, સિંધું સાગર આવે સામો ચાલી,

સિંધુંગર કહે સુણો બજરંગી, અરજ સુણો મારી એકરંગી. 94

તમે કહેશો તે અમે કરશું, બળશે જીવ તો કોને કહેશું,

હાલીને કાંઠે બેઠા જઈ, અગ્નિ જળમાં ઓલવાઈ ગઈ. 95

બળ પ્રમાણે ઠેકડો મારી, રામની વાડી નજરમાં ઘાલી,

આવતા દીઠા જતિ હનુમાન, તેલ કચોળાં ચોળ્યાં ભગવાન. 96

કાં રે હનુમાન સીતવા નાર દીઠાં, વેણ પ્રભુ બોલ્યા છે મીઠાં,

પ્રેમ ઉપજતા વાત કાઢી, સીતવા કેરી સુધ લીધી. 97

માંગો હનુમાન મનશું માગો, અત્યારે તમારે લેવાનો લાગો,

મનગમતા દાળદર કાપું, અભે વચન હું તુજને આપું. 98

હવે પૂરો હૈયાની હામ, સંતાડી વસ્તુ આપે ભગવાન,

રામને દોષ તો કોઈ ના દીધો, મારતા લંકાને વધે તેલિયો. 99

અગર ચંદનનો ધૂપ બળે, મારી ફાટક મળી જળહળે.

રાખે શીત તેલમાં બોળી, સિંધુંમાં ચકલે ચાંચુ બોળી. 100

લક્ષ્મણ કહે છે રામજીભાઈ, જુધ કરવાની કરો વધાઈ,

હવે કટકની કરો તૈયારી, વાટું જોતા હશે સીતવા નારી. 101

રામ કહે મારા હો વીર, મળ્યા વાંદરા ને થયા એક તીર,

રીંછ બીંછ તો મળ્યા અપાર, સજ્જ થઈને ચાલ્યું સૈન્ય તૈયાર. 102

પાસરા ચાલે છે શૂરા ને પૂરા, માંહી એકે નથી અધૂરા,

ત્યારે વાંદરા આગળ ચાલે, સમુદ્ર વચમાં કાચબા મા’લે. 103

પાણી માયલા પર આવે, સહસ્ર વાંદરનું સૈન્ય ચલાવે.

એવા વાંદરા પદ્મ ચાર, એક લક્ષ્મણ બીજા મોરાર. 104

પત્રને પાને લખ્યું ભગવાન, રઘુપતિને મનમાં દીધું સૌએ માન,

બાંધી પાજ ને ઉતર્યું સૈન્ય, ઉતરીને પહોંચ્યું કાંઠે સૈન્ય. 105

પહેલો પોર ને પાજલી વાગી, લાગ્યુ સ્વપ્નમાં મનોહરી જાગી,

ઉગમતા ભાણ ને ઉઠતા નારી, સ્વપ્નમાં દીઠા દેવ મુરારી. 106

અષાઢી વાદળી ઓતરમાં ગાજે, જાણે વાંદરા રઘુપતિને રાજે,

લીલા પીળા ને માંહી છે ઘેરા, આવ્યા છે રામજી ને નાખ્યા છે ડેરા. 107

સૈન્યે આવીને દીધા છે ડેરા, રાવણ ચમક્યો ને નાખે છે ફેરા,

શૂરો વાંદરો તે અંગદ કહીએ, લીધું બીડું ને હોંશ છે હૈયે. 108

નમાવી શીશ ને હાંક મારી, ગયો લંકામાં પૂછ વધારી,

કીધી રાવણની સાથે વાત, મારે માથે છે રઘુપતિ હાથ. 109

એમ કહીને પાંવ રોપ્યો, એટલે લંકાપતિ ચમકીને કોપ્યો,

મારો વાંદરાને એક ઝપાટે, દેવને મારીને ફૂંક ફાટે. 110

કરી વાંદરે અતિ અજાડી, મારી હાંકને મુગટ પાડી,

ચાલ્યું સૈન્ય ને વાગી દદુંભિ, સહસ્ર નિશાચર અતિ સુશુભિ. 111

સામાસામુ જુદ્ધ મંડાણું છપન કોટી ને નવસો નવાણું,

માર્યો રાવણને એક બાણે, આવી મંદોદરી એવે ટાણે. 112

હાથ જોડીને ઊભી રહી રાણી, રાઘવ આગળ આંસુ ભરાણી,

લાવ્યા સીતાને રથમાં બેસાડી, સાથે શોભે છે દેવ મુરારી. 113

રઘુપતિએ વિભિષણ બોલાવી આજ, તિલક કરીને આપ્યું રાજ,

આવ્યા અયોધ્યા વૈકુંઠપતિ, સાથે રહ્યા છે હનુમાન જતિ. 114

સલોકો પૂરો થયો, એકે અક્ષર અધૂરો રહ્યો,

ભૂલચૂકની માફી દેજો, જીભની ઉપરે શારદાજી રહેશો. 115

ગાય શીખેને સાંભળે જેહ, તેનો વૈકુંઠ હોજો દેહ,

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 23)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, જોરાવરસિંહ જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966