law kushno saloko - Lokgeeto | RekhtaGujarati

લવ કુશનો સલોકો

law kushno saloko

લવ કુશનો સલોકો

સરસતી સમરું શારદા સતિ, પ્રથમ સમરું ગરવા ગુણપતિ

મૂરખ મૂઢ તે અજાણ્યા અમે, મારગ બતાવો મનોહરી તમે...

દશરથનો કુંવર કૌશલ્યાનો રામ, તેનું નો જાણે નામ ને ઠામ,

ગઈ સીતા તો રામ રાખે, આવાં વચન ધોળી ભાખે.

મારે માથે છે ધોબીની નાત, હું નહીં રાખું અધઘડી રાત,

સાંભળી વાતને રખવાલ ચાલે, જઈ સવાલ રામને આલે.

ધોબી પોળમાં એમ ભાખે, ગઈ સીતા ને રામ રાખે,

સાંભળી વચન વ્યાપ્યો કાળ, વેગે તેડાવો લક્ષ્મણ બાળ.

ત્યારે બોલ્યા રામ વચન, સતી સીતાને મેલોને વન,

ત્યારે બોલ્યા લક્ષ્મણ જતિ, તમે સાંભળો જુગના જતિ.

ભાઈ વચન અમારાં પાળો, વનમાં મઢી ને દિવસ સંભારો,

તે દી’ તમે તો હતા નાના, બેઠા રોવા ને નો’તા રે’તા છાના.

ભાઈ લક્ષ્મણ તે કાંઈ નો જાણું, આવી બળિયો બોલ્યા વાણી,

ધોબી પોળમાં ધોબી એમ ભાખે, ગઈ સીતા ને રામ રાખે.

પોતપોતાનું સાંભળી જોઈ, સીતા કારણ આબરૂ ખોઈ,

એમ બળિયો વચન ભાખે, બીજું શહેરમાં સારુ કોણ વાંચ્છે?

ઉઠ્યા લક્ષ્મણ વેણની વાટે, જઈ સીતાને પાય લાગે,

માતા સીતાજી પિયર પધારો, આગન્યા કરે વીર અમારો.

સતિ સીતાજીએ કર્યો વિચાર, જાવું વન ને સજવા શણગાર,

કાળા ઘોડા ને રથ કાળા, સાથે ચાલ્યા લક્ષ્મણ પાળા.

જતિ સતિ તો કહે શુકન ભૂંડાં, બાપ દીકરાના ઉતરશે કુંડા,

સતિ સીતાને શુકનના શું કામ, રૂદે રાખોને રામનાં નામ.

જેઠ માસે તો જાવું છે વન, કદલી તે કેરા કે’વાય વન,

ચંપો મરવો ને ડોલરિયો ઘણો, પાર નહીં આને બાવળ તણો.

સાવલ સોપારી નાળિયેરી ઘણી, સંખ્યા નહીં આવે દાડમ તણી,

આંબુ જાંબુ ને મહુડાનાં ઝાડ, અનેક ઊંચા તાડના તાડ.

અગર ચંદન ને આસોનાં ઝાડ, ત્યાં રે બેઠા સીતાજી માત,

ચાલ્યા લક્ષ્મણ અયોધ્યા વળ્યા, ત્યારે સીતાજી ધરણી ઢળ્યા.

વળી લક્ષ્મણજી લાગે પાય, માતા સીતાજી બેઠા થાય,

સતિ સીતાએ વરતાવી આણ, ત્યારે ઋષિને થઇ છે જાણ.

સતિ સીતાનું તેજ અપાર, ત્યારે ઋષિને થયો વિચાર;

બધા ઋષિ તો આસને રહ્યા, વાલ્મિકી એની પાસે ગયા.

સાચું કે’ને તું બે’ન અમારી, પૂછે ઋષિ જાત તમારી,

ત્યારે બોલ્યાં સીતાજી માત, સાંભળો ઋષિ મારી વાત.

નગર અયોધ્યા દશરથ રાય, તો અમારે સસરા થાય,

મિથિલ દેશના જનકરાય, તો અમારે પિતાજી થાય.

ત્યારે બોલ્યા ઋષિરાય, તો અમારે યજમાન થાય,

ખાઓ પીઓ ને રમો દીકરી, વિસામા જગા આપી દઉં કરી.

વાળી મઢી ને રાખ્યાં પાસ, અઠયાસી હજાર ભાઈ થાય,

તે દિ’ના ઋષિ પરમેશ્વર એવા, પ્રેમે કરી છે સીતાની સેવા.

નવ માસ તો પુરણ થાય, વનમાં લવનો જનમ થાય,

પાનાં પુસ્તકનો નહીં આવે પાર, ત્યાં વેદ ભણે અઠયાસી હજાર.

વનમાં આનંદ એવો થાય, ચારે વેદ ત્યાં રે વંચાય,

વાલ્મિકીઋષિએ જન્મોત્રી જોઈ, આથી બળિયો થાશે નહીં કોઈ.

જન્મોત્રી જોતાં થયો વિચાર, અનુભવમાં દીઠો અંકાર,

છઠ્ઠો માસ તો ઉતરતો જાશે, આને ભાઈ બીજો થાશે.

બંને બળિયા બહું કે’વાશે, નવે ખંડમાં નામ કરશે,

તે દિ’ના ઋષિ રૈયા જાણી, કોઈ ના લે એની નામ નિશાની.

તેદુના ઋષિ સીતા કને રૈયા, વાલ્મિકીઋષિ પાતાળે ગયા,

આકાશ ધરતી ધ્યાન ધરે, સતિ સીતાજી નાવા સંચરે.

ગોરો કપીલો રમતા દીઠા, ભાળી બાળકને થયાં ગળગળા,

ત્યારે બોલ્યા છે સીતાજી માત, સાંભળ વાંદરી મારી વાત.

ત્યારે બોલી છે વળતી વાંદરી, મારાં બચ્ચાંએ બાથ ભરી,

મારાં બચ્ચાં મારી પાસ, તારાંની શીદ કરે છે આશ.

સતિ સીતાને વિચાર થાય, ચાલ્યાં સીતાજી મઢીયે જાય,

વાલ્મિકીઋષિના વચન સાચાં, તેડી બાળકને વળ્યાં પાછા.

જાગ્યા ઋષિ ને કરે સંભાળ, નો દીઠો સતિ સીતાનો બાળ,

આવશે સતિ ને દેશે શ્રાપ, ત્યારે શા થાશે આપણા હાલ.

ઘડી દિવસ ને ચડતી વેળા, બધા ઋષિ ત્યાં થયા છે ભેળા,

વાંકેઋષિએ વચન કીધું, નદી કિનારે પૂતળું દીઠું.

ભણે વેદ ને છાંટે પાણી, મુખેથી બોલે વેદ ને વાણી,

કેટલાક ઋષિ ગાયત્રી ભણ્યા, પાર નહીં આવે સલોકા તણા.

બધા ઋષિએ વચન દીધું, હતું એવું બાળક કીધું,

વનેથી આવ્યાં સીતાજી માત, લવ અમારો અમારી પાસ.

બાળક કોનું? કોણ છે માત? માતાજી પૂછે છે વાત,

ત્યારે ઋષિ કહે સાંભળો વાત, નથી માતાજી અમારો વાંક.

વાંક નથી માતાજી અમારો, બાળક કઈએ તમારો,

ઋષિએ એવું વચન કીધું, તેડી બાળકને ખોળામાં લીધું.

ત્યારે ઋષિ તો એમ બોલે, લવ નથી કુશની તોલે,

ત્યાંથી ઋષિ તો નીકળ્યા ચાલી, બારબાર વર્ષની તપસ્યાયું આવી.

કદળી કમાન્યું હાથમાં ધરે, બંને બંધવા વનમાં ફરે,

ઉંચી નજરે ચડીને જૂએ, રામને બાણે રૂધિર વહે.

એવા જોદ્ધા છે વનને વાસ, નવે ખંડમાં પડાવે ત્રાસ,

સૂરજ ચંદ્રમા ભરે ફાળ, કોઈ નો કરે તેની આળ,

ફરતા હરતા તેને હૈયે, બેઠી પનોતી રામને હૈયે,

ત્યારે રામને થયો વિચાર, વેગે તેડાવો લક્ષ્મણભાઈ.

ભાઈ લક્ષ્મણ વાતું એમ બૂઝે, મોટાની વાતું અમને નો સૂઝે,

બધી સેના રહી છે સૂની, ગોર તેડાવો વિસવા મુનિ.

કેટલા પંડિત ભણેલા એવા, પાંચસો પંડિત ભણેલા એવા,

શું પૂછશો રામજી અમને! અડધી બ્રહ્મહત્યા બેઠી તમને.

બ્રહ્મહત્યાની શું કઈ વાણી, દનયે દેવી દસ હજાર થાણી,

વનેથી આવે સીતાજી રાણી, ત્યારે વાગે શંખ પંચાણી.

દેશ દેશના નમાવો રાય, ત્યારે બ્રહ્મહત્યા તમારી જાય,

ત્યારે બોલ્યા રામજી રાય, આપણે પૂછીએ લક્ષ્મણભાઈ.

આપણે સીતાની જરૂર ઘણી, સીતાજી કરશું કંચન તણી,

જે રે જોઈ તે લાવી આપશું, મોઢેથી બોલે હાજર રહેશું.

તમારે વચને કામ રડે, ધરતી જીતવા ભરતજી ચડે,

ઓડળગોડળનો નહિ આવે પાર, સાથે સેન છે અક્ષણી બાર.

પશ્ચિમ દિશામાં જઈ રહ્યા, રાજા ભિમક નમીને રહ્યા,

મિથિલ દેશને વેરાવળ ગામ, જુદ્ધ કરવું ને જનક છે નામ.

અમે અનુચર રામજી તણા, રાજા જનક નમીને રહ્યા,

અભિમાન ભરતજીને થાય, હવે જુદ્ધ તો કેમ કરાય.

જુદ્ધ તો કોની સાથે કરીએ, ઘોડો દોરીને પાછા ફરીએ,

ઘોડો દોરીને વનમાં પેઠો, આવતો તોરી રામનો દીઠો,

સીતાનો કુંવર એકલો પંડે, તોરીને જઈ મારે દંડે,

છોડી પતરું ને જોયું વાંચી, લવને મન થઈ છે હાંસી.

ધનુષવિદ્યા ભણ્યો છું ઘણી, બીજાની માતા જાણું વાંઝણી,

કેની માતાએ ખાધી શેર સૂંઠ, તાણી ઘોડો બાંધ્યો ખેરને ઠુંઠ.

ઘોડો બાંધ્યો ને મઢી છે એક, નિમી રાજાને છોડાવું ટેક,

રઘુવંશી જે મોટેરા રાય, એનો તોરી કેમ બંધાય,

ઈં છે જીવ્યા જોધુંના દાતાર, એની લીલાનો નહીં આવે પાર,

એને કર્યા છે કારણરૂપ, એણે માર્યા છે રાવણ રૂપ,

માન વચન ને મેલી દે બળ, હાથી આગળ શું કરવો વળ.

ત્યારે લવને રીંસ ચડી, થઈ ઊભોને બાથ ભરી.

મારું બળ કેમ જાણ્યું થોડું, મારી પાટુ પાતાળ ફોડું,

બળિયા નર તો બેઠા થાય, બાગી આગળ સેનામાં જાય.

પાંચસો પાળા છોડાવા જાય, બળિયો નર તે બેઠો થાય,

કરવો ઘાય ને કેટલી વાર, કર્યા પોતાને હાથ હજાર.

ત્યારે ભરતને રીંસ ચડી, દીધો ડંકો ને સેના ચડી.

કછી ભરીને ધાય કીધો, વાગી લમણામાં પાડી દીધો.

નોબત નગારાં વનમાં થાય, કાને કુશને અવાજ જાય,

નોબત નગારાં વનમાં ક્યાંથી? કુશે દોટ મૂકી ત્યાંથી.

કુશ આવ્યો છે મઢીની કોર, ધરતી ઉપર કોણ મારું ચોર?

લવ તણી જગા જોઈ, જોયું અખાડે મળે કોઈ,

સતિ સાધવી બોલ્યાં વચન, કોઈ દ’શના આવ્ય’તા સેન.

આથમતો રવિ પડતી વેળા, બાંધી લવને લઈ ગ્યા ભેળા,

ત્યારે કુશને ચડી છે રીંસ, સેન પહોંચ્યુ ગઉ પચ્ચીસ.

બાંધી હથિયારને સાબદો થાય, વાળી મુઠીને વાંહે જાય,

મરદોની મોર્ય કેટલે જાય! કુશ તો સેન મોર્ય થાય.

જઈ રહ્યો છે નદિનો આરો, આવી સેનને કર્યો પડકારો,

આવી બળિયો બળ બહુ દાખે, ઉડાડી રથમાંથી હેઠા નાખે.

પડતા એના પ્રાણ છાંડે, અધ્ધર ઉંચાં ખોખા ચડાવે.

કાકો ભત્રિજો વનમાં લડે, ભર્યે ભાદરવે પાડા આખડે.

અર્ધી સેના મુરછે ઢળી, લવ તણી તો મુર્છા વળી.

કરી પડકારો બેઠો થાય, ભરતને કાને અવાજ જાય,

ભરતજી કહે ક્યાં ગયો વેરી મારો, મારી પાટુ ને કાઢો બારો.

મારી હાંક ને બોલ્યા પડછંદા, ભરી બથ ને મારે છે ગડદા,

સાત સાયરના બ્રહ્માંડ ડોલે, સાયરના નીર ચડ્યાં ચકડોળે.

કર્યું જુદ્ધ ને મામલો મચ્યો, રવિએ રથ તાણીને ખેંચ્યો,

કશ્યપના કુંવર થર થર ભાણ, નવે ખંડમાં થઈ છે જાણ.

બાંધી ઘોડો ને નાવાને જાય, આવાં જુદ્ધ તો કોઈ નો થાય.

અમે અનુચર રામજી તણા, બાર અક્ષોણીમાં રહ્યાં બે જણા,

લટકતે લમણે અયોધ્યા જાય, અવધ સલોકો પુરણ થાય.

સુમિત પ્રધાનને વચન કીધું, નગર અયોધ્યા સાથે લીધું,

નાનુ ગોપાનાથ ને પુરણ છે ધામ, તેની થડમાં ત્રાપજ ગામ.

સંવત અઢારસોને સમયની સાલ, માસ વૈશાખને

આઠમ અંધારી, વાત દિતનાર,

કાલા ઘેલા ને માનવી થઈએ, એવા અમે સલોકો કઈએ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 32)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, જોરાવરસિંહ જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966