rusanun - Lokgeeto | RekhtaGujarati

રૂસણું

rusanun

રૂસણું

લીલી વાંસેણનો વીંઝણલો, શામળિયાજી

વીંઝણો ચઈડો રે રાણીજીને હાથ, હરિનો વીંઝણલો.

વીંઝતાં રે વીંઝતાં ઊંઘી ગયાં. શામળિયાજી

વીંઝણો વાઈગો રે રાંણીને લેલાળ, હરિનો વીંઝણલો.

રાંણીએ ઝાલી રે દ્વારકાંની વાટ, શામળિયાજી

વાંહે પઈડો રે પાતળિયો કા’ન, હરિનો વીંઝણલો.

સાંમા મળ્યા રે બળદોના ગોવાળ, શામળિયાજી

વીરલા! કેવ રે દ્વારકાંની વાટ, હરિનો વીંઝણલો.

તું તો આગળ જીને કોઈને પૂછ, હરિનો વીંઝણલો.

રાણીએ ઝાલી રે દ્વારકાની વાટ, હરિનો વીંઝણલો.

વાંહે પઈડો રે પાતળિયો કાંન, હરિનો વીંઝણલો.

સાંમો મળ્યો રે ઢોરોનો ગોવાળ, હરિનો વીંઝણલો.

વીરલા! કેવ રે દ્રાવકાંની વાટ, હરિનો વીંઝણલો.

તું તો આગળ જીને કોઈ ને પૂછ, હરિનો વીંઝણલો.

રાંણીએ ઝાલી રે દ્વારકાંની વાટ, હરિનો વીંઝણલો.

વાંહે પઈડો રે પાતળિયો કાન, હરિનો વીંઝણલો.

સાંમો મલ્યો રે ઘેટાંનો ગોવાળ, હરિનો વીંઝણલો.

વીરલા! કેવ રે દ્વારકાની વાટ, હરિનો વીંઝણલો.

તું તો આગળ જીને કોઈ ને પૂછ, હરિનો વીંઝણલો.

રાણીએ ઝાલી રે દ્વારકાંની વાટ, હરિનો વીંઝણલો.

વાંહે પઈડો રે પાતળિયો કા’ન, હરિનો વીંઝણલો.

સામો મળ્યો રે ઊંટનો ગોવાળ, હરિનો વીંઝણલો.

વીરલા! કેવ રે દ્વારકાંની વાટ, હરિનો વીંઝણલો.

તું તો આગળ જીને કોઈને પૂછ, હરિનો વીંઝણલો.

રાણીએ ઝાલી રે દ્વારકાંની વાટ, હરિનો વીંઝણલો.

વાંહે પઈડો રે પાતલિયો કાન હરિનો વીંઝણલો.

નવે મૈના પૂરા થઈ ગયા, શામલિયાજી,

વાંહે પઈડો રે પાતલિયો કા’ન, હરિનો વીંઝણલોય.

સાતે વાઈટોનું બેવટળું, શામળિયાજી,

છોરું જાઈટું રે ડણેચાને પાંન, હરિનો વીંઝણલો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 248)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, રેવાબહેન તડવી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966