tanhanthi te pani parwaryun - Lokgeeto | RekhtaGujarati

તાંહાંથી તે પાણી પરવર્યું

tanhanthi te pani parwaryun

તાંહાંથી તે પાણી પરવર્યું

(ચાલ બીજી)

તાંહાંથી તે પાણી પરવર્યું, જઈ પોઈચામાં પેઠું;

નંદેરીઉ નખ જેવડું, એને ઝડપીને લીધું. 1

શરમ પડી શુકદેવની, રૂડા રુદ્રને રાખ્યું;

વે’ણામાં પેઠા વ્યાસજી રે, દેહરું દેવીએ દાખ્યું. 2

કરગંગા કરમાણી છે, આવ્યાં માતાને મળવા;

બોળી બાંધી બરકાલને રે, ચાલ્યાં ઝાંજડ જોવા. 3

પાટણ પાણીમાં બોળિયું રે, ઓળ ઓચિંતી લીધી;

અનસૂયા ને અંબાલકા, માએ ઊગારી લીધી. 4

સૌભાગ્ય સુંદરીની સાહ્યથી રે, ફોફળિયું રાખ્યું;

શીશોદરમાં સાસરું રે, પાણી પાછળથી પેઠું. 5

પાપીનાં ઘર પ્રલે કર્યાં રે, માએ તાણી નાખ્યાં;

... ... ... ... ... ... ... ... 6

ભંડારેશ્વરને ભોળાવી રે, માએ મંડપ જોયો;

બુસા ફળિયાનો બાદલો રે, આપે ઓવારો ખોયો. 7

સોની ફળિયામાં સાસરું રે, સામો દીઠો દુંદાળો,

ઉમીઆના પુત્રને દેખી રે, માએ દીધો ટાળો. 8

નવું પરું ને નાવરા ઝડપીને ઝાલ્યું;

આશામાં જઈને આથડ્યું રે, દુઃખ લોકને આલ્યું. 9

માલસરમાં પાણી મલપતું રે, પાણી ચૉફેર ચાલ્યું;

પરતો જાણી પીરનો, માએ સામું ભાળ્યું. 10

રેવા તે રણમાં ઝૂઝતી રે, આપે આનંદે ચાલી;

પાણેથામાં પાધરી રે, વાટ વેગે ઝાલી. 11

દુઃખ દીધું દેસાઈને રે, રોળ રાજાનો રાખી;

રાક્યું રણાપુર-કૉઠીઉં રે, દેરોલી દાખી. 12

બીજાં ગામ મૂક્યાં ઝૂલતાં રે, શહેર ખોદીને નાખ્યાં,

... ... ... ... ... ... ... ... 13

લાગ ના લાગ્યો લીલોડનો, રે દીધી દેવીએ ધમકી;

વસતી બાધી વેરુ ગામની રે, સરવે રહી છે ચમકી. 14

ભાવે તે ઘણું ફાટીઉં રે, પાણી ચોફેર ચાલ્યું;

... ... ... ... ... ... ... ... 17

સાગરનાથને શોધી ખોદી રે, આઘા વેગળા નાખ્યા;

લીલાઈપરાના લોકને રે, આદિત્યેશ્વરે રાખ્યા. 16

કુંતલપુર કુબેરની રે, અડધી ઓટલી રાખી;

ભાળ થઈ ભંડારીને રે, આપે ઊગારી લીધી. 17

આસપુરીને આશરે, કીધી કુબેરે સાહ્ય;

... ... ... ... ... ... ... ... 18

સરવ નગરીના પુણ્યથી, મહાદેવે મનમાં વિચાર્યું;

ત્રિશૂલ ઝાલી હાથમાં, પાણી પાછું તે વાળ્યું. 19

આશાપુરી સામું આવીને રે, માએ દરશણ દીધું;

ઓળખ્યો ઉમયા દાસને રે, આપે ઊગારી લીધું. 20

રૂડી રેવાએ વિચારીઉં રે, તો ગુપત છે કાશી;

રખે રેલો એહને, ચાલો જઈએ નાહાશી. 21

આગળ જાતાં જાહ્નવી રે, સામાં મળ્યાં આશા બાઈ;

પૂજા કીધી એહની રે, પછે પંથ જાઈ. 22

ભાલોદ સામું ભાળીઉ રે, દીઠું પુરણ પાપ;

... ... ... ... ... ... ... ... 23

છીપીઓ ઓવારો છલીને, પાણી ચોફેર ચાલ્યું;

રામેશ્વરને રીઝવી, માએ દર્શન આલ્યું. 24

લાડકા લોકને વેધીને રે, પાણી ચોફેર પેઠાં;

કારમી કોઠીઓ ફાટીઆં રે, ઘર ગરગડી બેઠાં. 25

રાજાનો બાગ ભાગી પડ્યો, થાણું ખોદીને નાખ્યું;

અડધું ગામ નીમનોકનું, રુદ્ર દેહાએ રાખ્યું. 26

રેલમાં ભટ્ટ વઢી મુવા, મૃત્યુ માગીને લીધું;

તરસાલી ટોઠીદરાની,માએ વંશ કાઢ્યું. 27

ઓર ઉખેડી નાખીઆં રે, પડાળમાં પાણી;

ખેતી સારી હુતી કારમી, કાંકરી ફરી વળી સુની. 28

તાંહાંથી પાણી પરવર્યું, જઈ ઝણોર લીધું;

ચહુટાં ચૉક ને શેરીઓ, માએ પ્રીતે પરખ્યું. 29

ધર્મશાળાને રાખીને, અંગારેશ્વર ઓડી;

નીકોરાને નિરખીને, તેની ખોડ મોડી. 30

મંગળેશ્વરને મારીને, શુકલતીરથ આવ્યાં;

તો પુરી હુકનાથની રે, એને કેમ ઉખાડું? 31

વળતું વિચાર્યું મનમાં રે, તો અંગરેજનું ગામ;

પરું સરખુ પરમેશ્વરનું રે, બાકી ફેડ્યો જી ઠામ. 32

લાડવા વડને લૂંટીને રે, ઝઘડીઆમાં આવ્યાં;

ગુવાલી ગામને ગાંદરે, માએ રાંણ મચાવ્યાં. 33

ભાવે તે ભાઠાને ભાંગીઉં રે, તવરા નાખીઉં તોડી;

ઝાડેશ્વરને ઝપટીઉં રે, તેની ખોડ મોડી. 34

દશાશ્વમેઘ સામું આવીને રે, માએ દર્શન દીધું;

પહેલાં પરામાં પરવર્યું, શેરીમાં સાંચરીઉં. 35

દુષ્ટના દરબાર તોડીઆ રે, ટોપીવાળો નાઠો;

... ... ... ... ... ... ... ... 36

કારમું કતકપોરનું, સુખ સંઘળું લીધું;

... ... ... ... ... ... ... ... 37

વશ કીધો વડ વાહનને રે, ખોળિયુ ખોળિયુ ભાડુ;

હાથે હણ્યુ હનુમાનને રે, નાઠું કાંશીઆ ભાઠું. 38

મહેર કીધી મેહે ગામમાં રે, દીવા ભણી ચાલ્યુ;

... ... ... ... ... ... ... ... 39

ધન જીવવું ગામનું રે, જેણે નર્મદા સેવી;

... ... ... ... ... ... ... ... 40

ભાદરીમાં માતા જઈ ચડ્યાં કરાદરાને કાંઠે;

સૂતને સૂતા મૂકીઆ, આવ્યાં દરીઆકાંઠે. 41

આવીને રે ક્રોધમાં, મનનો મૂક્યો;

મછવો મહા પાપીષ્ટ, તેણે તેને રે ચાંપ્યો. 42

બીજે તે બાધા સાથની રે, સંભાળ ના લીધી;

અમરકંઠ ભણી જાવાની, માએ બુધ કીધી. 43

નાનડા નર્મદાખંડને રે, જે કો ગાશે સાંભળશે;

દાસ ઉમીઓ એક કરી કહે, તે તો વૈકુંઠે જાશે. 44

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 84)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, યશોમતીબહેન મહેતા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966