rewajini relno garbo - Lokgeeto | RekhtaGujarati

રેવાજીની રેલનો ગરબો

rewajini relno garbo

રેવાજીની રેલનો ગરબો

શ્રી ઉમીઆ સુતને ચરણે નમું, સાચી સરસ્વતી માત:

જાચું દેવી જાહ્નવી, મસ્તક ધરજો હાથ.

શંકરસુતને લાગું પાય, કે સાંભળ સરસ્વતી રે લોલ;

વાળી દેજે માત, કે કરું રૂડી મતિ રે લોલ. 1

સંવત સત્તર ઈઠ્ઠોતેરની સાલ, કે સાંભળ કહું કથા રે લોલ;

ચૌદશ વદ ભાદરવો માસ, કે પિતૃદિન હતા રે લોલ. 2

નિર્મલ નર્મદા રૂડું નામ, કે મન વિચારીઉં રે લોલ;

પ્રગટ્યું દુનીઆ કેરું પાપ, કે જઈ પ્રલે કરું રે લોલ. 3

અમરકંઠથી નીસર્યાં આપ, કે નિર્મલ નર્મદા રે લોલ;

ચોળી માલેસરના લોક, કે તેમાં જઈ ભળ્યાં રે લોલ. 4

ઢોરાં માણસ ને ઘરબાર, કે કશું ના રાખીઉં રે લોલ;

રઈઅત રાજા ને પરધાન, કે સર્વે તેં ખેચીઉં રે લોલ. 5

પછે આવ્યા શૂલપાણને શરણ, કે નિર્મલ નર્મદા રે લોલ;

માનું માહેશનું કેણ, કે પ્રીતે પાછાં વાળો રે લોલ. 6

પછે આવ્યાં પોતાને આવાસ, કે મેલીને આમળો રે લોલ;

એવો કૌતુક થીયું એક, કે સરવે સાંભળો રે લો. 7

અંગરેજ આવ્યો આપણે દેશ, કે માતા કેરે કાંઠડે રે લોલ;

રૂઠ્યાં ચોહોદિશ ગામે ગામ, કે ભાવે પાણી ભર્યાં રે લોલ. 8

માએ આણી મનમાં રીસ, કે તે ઉપર કોપીઆં રે લોલ;

કેમ કર્યું જાંગલાં ઉપર જોર, તીર કેમ લોપીઆં રે લોલ. 9

નદીઓ સર્વેનું ધરીઉં ધ્યાન, કે મનમાં એક ઘડી રે લોલ;

સમરતામાં આવી સૌ કોઈ, કે રીસે રાતડી રે લોલ 10

હાવે તેનો કરું વિસ્તાર, કે સરવે સાંભળો રે લોલ;

ઉમયો, દેવી કેરો દાસ, કે કિંકર જાણીઓ રે લોલ. 11

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 80)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, યશોમતીબહેન મહેતા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966