aawi nadi nawwanun - Lokgeeto | RekhtaGujarati

આવી નદી નવ્વાણું

aawi nadi nawwanun

આવી નદી નવ્વાણું

(ચાલ બીજી)

આવી નદી નવ્વાણું, લાગી કે’વા રે;

‘અમને આપોની, એક ઠામ રે’વા’ રે.

તમો આગતા, અમારી પાસે માગો રે;

કાઢો એંગરેજને, આંઈથી આઘો રે.

પેલી પારમાંથી, નદીઓ તોડાવી રે;

સમરતામાં સરવ કોઈ આવી રે.

ઊંચી એરણા, ને ઓર આવી રે;

બીજી નદીઓની, જોડ સાથે લાવી રે.

ચરોતરથી તે, આવ્યાં મહી માત રે;

વિશ્વામિત્રીને, તેડી લાવ્યા સાથ રે.

આવ્યાં ગોકુળથી, જમુના ધાઈ રે;

વાટે મળ્યાં રે, ક્ષિપ્રા બાઈ રે.

ત્યાંથી, સાથ સંગાથ તેને કીધો રે;

બીજી નદીઓનો જોડ, સાથે લીધો રે.

સુરત પ્રગણેથી, આવ્યાં તાપી રે;

તેને કાઢવો છે, અંગરેજ પાપી રે.

વાટે આવતાં, રતનાવરી દીઠી રે;

સાથે ચાલ, આવ મારી મીઠી રે.

ઢાઢર, જાંબુઆ, ને રંગાવ વરણી રે;

એમ ઉમટ્યું, સરવનું પાણી રે.

નવસે નવ્વાણું, ટોળે કીધી રે;

સરવે રુદ્ર-દેહાની, દેહ લીધી રે.

તેત્રીસે ક્રોડ આવ્યા સ્વર્ગવાસથી રે;

ભાગીરથી આવ્યાં પૂરવ દેશથી રે.

ગંગા ગોદાવરી, ને ગોમતી રે;

એવે રૂપે આવ્યાં ચોસઠ જોગણી રે.

નિર્મળ નર્મદાની આજ્ઞા જાણી રે;

એવે આકાશે ઊછળ્યું પાણી રે.

ધ્રુજી ધરા ને શેષ સળક્યા રે;

બારે મેઘ આવ્યા જળ રેડતા રે.

એવે હાક વૈકુંઠમાં વાગી રે;

ચંદ્રમા ને સુરજ ઊઠ્યા જાગી રે.

બ્રહ્મા વિષ્ણુએ જાણી વાત રે;

સાચે કોપીઆં છે નર્મદામાત રે.

ચાલો પૃથ્વી ઉપર જોવા જઈએ રે;

સાચી દેવીઓનાં દર્શન કરીએ રે.

ત્રણે દેવ આવ્યા પુરણ પ્રીતથી રે;

પૂજી રુદ્ર-દેહા રૂડી રીતથી રે.

જાઓ, રત્નાકર સાગરમાં ભળજો રે;

દિવસ પાંચમે તે પાછાં ફરજો રે.

સર્વ નદીઓ તે સાવધાન થઈ છે રે;

માહેશ્વર નગરીમાં ગઈ છે રે.

તે ગામનો રાજા તાણીઓ રે;

તેને ભાડભૂતેશર આણીઓ રે.

આવ્યા આદિતેશર ને શૂલપાણિ રે;

તેની દયા દેવીએ જાણી રે.

ગરુડેશરનો કોટ તાણી નાખીઓ રે;

વાટે વાહાણ, ના મેવાસી રાખીઓ રે.

કુબેરદેવને રાખીઆ રૂડી રીતશું રે;

પછે આગળ ચાલી પુરણ પ્રીતશું રે.

મોટા માંઘરોળમાં પડે પાણી રે;

બાંધ્યા ખાટલા તે ઝાડ ઉપર તાણી રે.

એવી રીતે તે પાણી ફરીઉં રે;

જન ઝાડે ચઢીને ઠરીઉં રે.

નાનું મોટું તે વાટે ગામ રે;

તે સર્વેનો ફેડ્યો ઠામ રે.

તીલકવાડું તે નાખ્યું તોડી રે;

જઈ વાટમાંની આમલી ખોડી રે.

એવું કે’તાં ઝાંઝરીઉં જોયું રે;

તેનું ઠોર ઠાકોર સુધ્ધે ખોયું રે;

પાપ ફન્યાળીનાં પ્રગટ્યાં રે;

ઘર ઘર તણાઈને તૂટ્યાં રે.

ચંદ્રાવતીના ચૉક, અડધા ધોયા રે,

વેપારીના દાણા દુણી સૌ ખોયાં રે,

સર્વે માંડવાને મારગ પરવરીઆં રે;

શેષશાયીનાં દર્શન કરીઆં રે.

દાસ ઉમીઓ વિવેકથી કહે છે રે,

પાણી પુરણ જોરથી વહે છે રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 82)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, યશોમતીબહેન મહેતા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966