wanwas - Lokgeeto | RekhtaGujarati

વનવાસ

wanwas

વનવાસ

કેંગા કરોધમાંથી બોલ્યા રે,

રામ ને લખમણ વન જાય.

પેલું તે વન રામે મેલિયું રે,

બીજારે વન વહ્યા જાય.

ત્રીજું તે વન રામે મેલિયું રે,

ચોથલે મઢી મોઝાર.

અમરો ને ડમરો સીતા વાવતાં રે,

વાવે છે દાડમ દરાખ.

ચંપો ચંપેલી સીતાએ વાવિયાં રે,

વાવ્યાં કરેણીનાં ઝાડ.

રાજા તે રાવણનો મ્રઘલો રે,

વનસ્પતિ ચરી ચરી જાય.

ચરંતા સીતાજીએ દેખીઓ રે,

રામ ઓલ્યા મ્રઘલાને માર,

મ્રઘલો મારોને મારા સ્વામીજી રે,

એની મને કાંચળી શીવડાવ.

સાવ રે સોનાની સીતા કાંચળી રે,

ચામડાની શી લાગી રઢ?

નૈ રે બાપુ, નૈ બાંધવો રે,

નૈ મારે કહ્યાગરો કંથ.

કોણ શીવરાવે મને કાંચળી રે,

કોણ લડાવે મને લાડ?

રામ શીવડાવે તમને કાંચળી રે,

લખમણ લડાવે તમને લાડ.

કસકસતાં ભાથાં રામે ભીડિયાં રે,

તરસકિયા તાણ્યાં છે તીર.

પેલે તે તીરે, મ્રઘલો મારિયો રે,

મરતાં નાખી કાળી ચીસ.

દોડ્યે તે દોડ્યે લખમણ દેરીડા રે,

માર્યો છે તારેલો વીર?

ઘેલી તે સીતા ઘેલું બોલમાં રે,

રામ માર્યા નવ જાય.

મઢીની ફરતી આણ્યું દીધીયું રે,

આણની બાર દેશો પગ.

ઋષિના વેશે રાવણ આવિયો રે,

ભિક્ષા દિયોને સીતા નાર.

થાળ ભરીને વનફળ લાવિયાં રે,

ભિક્ષા લીયોને મા’રાજ.

છૂટી તે ભિક્ષા અમે નૈ લીએ રે,

ગુરુજીને બેસે ગાળ.

મઢી ફરતી આણ્યું મેલિયું રે,

મઢીની બાર નો મેલાય પગ.

આપણી ઉપર મેલી પાવડી રે,

પાવડી ઉપર મેલો પગ.

ખાંધે ચડાવી રાવણ લઈ ગિયો રે,

રોતી રહળતી સીતા નાર.

કાવડ કરી મ્રધલો લાવિયા રે,

નાખ્યો છે મઢીની મોર.

મઢીએ કળેળે કાળા કાગડાં રે,

મઢી દીસે છે ઉહડ-સટ.

રામ રુવે ને લખમણ વિનવે રે,

રુવોમાં રામચંદર વીર.

સીતા તે સરખી પરણાવશું રે,

સીતા ઠરાવશું એનું નામ.

ઘેલા તે લખમણ ઘેલું બોલમાં રે,

ઘેર ઘેર હોય સીતા નાર.

રુડા મલકનો વાંદરો રે,

ઠણ ઠણ ઠેકંતો જીવ.

અંગૂઠી દીધી રામના હાથની રે,

પેરો સતી સીતા નાર.

કોના મોકલ્યા તમે આવિયા રે,

કોણે દીધાં છે એંધાણ?

રામના મોકલ્યા તે અમે આવિયા રે,

લખમણે દીધાં છે એંધાણ.

ઠણ ઠણ ઠેકે વાંદર ઠેકડે રે,

લંકા બાળીને ઘરે જાય.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતનાં લોકગીતો (પૃષ્ઠ ક્રમાંક 162)
  • સંપાદક : ખોડીદાસ પરમાર
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2018
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ