raat mali - Lokgeeto | RekhtaGujarati

રાત મળી

raat mali

રાત મળી

ક્યાં જાઉં રે વેરણ રાત મહીં, ક્યાં જાઉં રે અબળા એકલડી?

રાત અંધારી, ને વાદળ કાળું, સમી રે સંધ્યાએ મારી આંખ મળી;

હાં હાં, રે, સમીરે સંધ્યાએ મારી આંખ મળી;

ક્યાં જાઉં રે વેરણ રાત મહીં, ક્યાં જાઉં રે અબળા એકલડી?

ચોરા રે જોયા ને ચૌટા રે જોયા, ફરી રે વળી કુંજ ગલી રે ગલી;

હાં હાં રે, ફરી વળી કુંજ ગલી રે ગલી.

ક્યાં જાઉં રે વેરણ રાત મહીં, ક્યાં જાઉં રે અબળા એકલડી?

ઝરમર ઝરમર મેહુલો વરસે, ઝબુક ઝબુક થાય વીજલડી;

હાં હાં, ક્યાં જાઉં રે વેરણ રાત પડી;

ક્યાં જાઉં રે, વેરણ રાત મહીં, ક્યાં જાઉં રે, અબળા એકલડી?

શામળિયા સ્વામી મારે મંદિરે પધારો, પાયે પડુ રે, તમને લળી લળી;

હાં હાં રે, પાયે પડું રે તમને લળી રે લળી,

ક્યાં જાઉં રે વેરણ રાત મહીં, ક્યાં જાઉં અબળા એકલડી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 91)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ {મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પ્રા. નાગજીભાઈ કે.ભટ્ટી (નીચેનાં ગીતો ભૂજનાં શ્રી. ભાનુમતીબેન જોશી પાસેથી મળ્યા છે.)}
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968