keDya keDya sami re - Lokgeeto | RekhtaGujarati

કેડ્ય કેડ્ય સમી રે

keDya keDya sami re

કેડ્ય કેડ્ય સમી રે

કેડ્ય કેડ્ય સમી રે સેંજલ ડુંગરી રે

હૈડા સામેલા ભેડા જો, ભેડે ચડીને ગોફણ ફેરવી.

સેંજલ નાર તું ઢોરું પાછાં વાળ્ય જો.

નથી વાળ્યાં રે, મારા બાપનાં

તું હેઠો ઊતરીને વાળ્ય જો.

હેઠે ઊતરીને સાંઢ્યો વાળિયું

સબોડ્યો સેંજલના બરડામાં સોટો જો.

સામે શેઢે રે નાનકડો દેરીડો

દેરી તારા બેલીને વાર્યજો.

અમારા વાર્યા રે ભાભી નહિ વળે.

લેજો ભાભી મૈયરિયાના મારગ જો.

છાણાં થાપે રે ડોસલડી,

કે’જો માડી મૈયરિયાના મારગ જો.

ડાબા મે’લે રે સેંજલ ડુંગરા.

જમણા મૈયરિયાના મારગ જો.

ગાયું ચારે રે ગોવાળિયો રે

કે’જે વીરા મૈયરિયાના મારગ જો.

ડાબા મેલે રે સેંજલ ડુંગરા,

જમણા મૈયરિયાના મારગ જો.

પાણી ભરે રે પનિહારીયું.

કે’જો બે’ની દાદાજીના ડે’લા જો.

ડાબા મેલ્ય રે સેંજલ ઝાંપલા.

જમણા દાદાજીના ડે’લા જો.

ચોરે ચોવટ કરે દાદાજી.

કાં’રે ધીડી વગર તેડ્યાં આવ્યાં જો.

સાંગા માચીએ બેઠાં છે માતાજી.

કાં’રે ધીડી વગર તેડ્યાં આવ્યાં જો.

બેટડો ધવરાવે ભાભલડી,

કાં’રે નણદી વગર તેડ્યાં આવ્યાં જો.

ઢીંગલે રમે રે નાની બે’નલડી,

કાંરે બે’ની વગર તેડ્યાં આવ્યાં જો.

ઘોડલા ખેલવતા વીરાજી બોલ્યા.

ભલે બે’ની વગર તેડ્યાં આવ્યાં જો.

ઊઠો વહુજી ઊનાં પાણી મેલો જો.

સેજલને ચોળીને નવરાવો જો.

સાચું બોલ્યે રે સૈજલ નણંદી, વાંસામાં આવડી

શી છોળ્યું જો?

તરફુના કેતર ભાભી ખેડતાં, તરકડે દીધેલું ગાળ્યું જો.

ચાબખાની ઊડે છાકમ છોળ્યું જો,

મેં ત્યાં દીધેલા આડા અંગ જો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 137)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જોરાવરસિંહ જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959