hayatkhan baluch - Lokgeeto | RekhtaGujarati

હયાતખાં બલૂચ

hayatkhan baluch

હયાતખાં બલૂચ

ઉમેદપુરથી હયાતખાં ચાલ્યો, ચાર ચાર ભાઈબંધનાં જોડલાં.

સાથે ગોવિંદ અને હયાત, ભીમાજી ખોજા છે સાથમાં,

પહેલો ધીંગાણો જૂનાગઢ આદર્યો, દુનિયાને કરી હાલકદોળ,

હાલી ચાલીને નાનીમાળ આવિયો, મરાયો ત્યાં માંજરિયો પાળ.

ધરતી ધ્રુજાવી તણકરાજની.

હાલી ચાલી વાલુકડ આવિયો, ચલાવી કઈ સોનારૂપાની લૂંટ રે,

પડકારો કરતાં તો પોલીસ ભાગિયા, ચાર પોલીસને કર્યા છે ઠાર કે,

ધરતી ધ્રુજાવી તણક રાજાની.

જાસાચીઠ્ઠી તો તળાજા મોકલે, તળાજા થાયે છે હાલકડોળ,

ધ્રુજાવ્યાં તળાજા જેવાં ગામ રે, આવાં બહારવટાં નો’તા ખેડવાં,

ખરે રે બપોરે ખાંડિયાં ભાંગીયું, ભાંગ્યા કંઈ મિત્તલપુર ગામ રે,

ધરતી ધ્રુજાવી તણક રાજની.

શેત્રુંજા રોજીને તેં હાકલી, પરામાં લીધો મેહમાનગતનો લા’વ રે,

રોજીના પટેલે મહેમાની આદરી, જમાડ્યા પૂરી કેરીના રસ રે,

ખૂટલે પટેલે ખૂટણ આદર્યું.

ભગવાન નાવણિયે તને છેતર્યો, જઈ કીધો રે પાલિતાણા ટેલિફોન,

છાપાએ છપાઈ ભાવનગર મોકલે, દેજો કંઈ ‘છેલ’2 સાહેબને જાણ રે.

સો સો બંદુકો છૂટે સામટી, સાતપડામાં છૂટે એકાએક રે,

ધરતી ધ્રુજાવી તણક રાજની.

ગોવિંદા પટેલે દગો આદર્યો,

પહેલે ભડાકે ગોવિંદ પહેલને મારીઆ,

એની લાશું પડી પાલિતાણાના રાજમાં,

એવા બા’મણે કર્યા છે ગોળીબાર રે, આવડાં તે બહારવટાં નો’તાં ખેડવાં,

ધરતી ધ્રુજાવી તણક રાજની.

પોલીસનો દરવેશ બાલુભાઈ એક પેરીઓ, અને ભરી કંઈ બલુચ સાથે બાથરે.

છેલભાઈએ પડકારા આદર્યા, એવે પડકારે ભરેલ નહીં પાછા પગ રે,

ધરતી ધ્રુજાવી તણક રાજની.

ઉમેદપરા હયાતખાંનાં ગામડાં,

અને આવ્યા કંઈ દરિયા મોજાર રે,

સો સો બંદૂકો છૂટે સામટી,

કંઈ છૂટે હયાતખાંની એક રે,

ધરતી ધ્રુજાવી તણક રાજની.

હૈયું વિસારી કેદારનાથ બોલિયા,

રાખ્યાં કંઈ મરદોમાં અમર નામ,

જીવતાં તારાં નામ હયાતખાં બહાદૂર રે.

નાની ઉંમરના જુલમ આદર્યો.

હયાતખાં આવાં બહારવટાં વહોતાં ખેડવાં.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 16)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, જોરાવરસિંહ જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966