ek topli bharine bajri - Lokgeeto | RekhtaGujarati

એક ટોપલી ભરીને બાજરી

ek topli bharine bajri

એક ટોપલી ભરીને બાજરી

એક ટોપલી ભરીને બાજરી

અમે દળતાં’તાં સારી રાત રે, સાસુ કેમ સાંભરે?

એક ટોપલી ભરીને ઢીંગલી,

અમે રમતા’તાં દિનરાત રે, માતા કેમ વીસરે?

મારી સાસુએ રાંધી ખીચડી,

મહીં તેલના ટીપાં ચાર રે, સાસુ કેમ સાંભરે?

મારી માતાએ રાંધી લાપસી,

મહીં ઘીની રેલમછેલ રે, માતા કેમ વીસરે?

મારી સાસુએ માથાં ગૂંથિયાં,

મહીં વીંછી મેલ્યા ચાર રે, સાસુ કેમ સાંભરે?

મારી માતાએ માથા ગૂંથિયા,

મહીં ચંપા મેલ્યા ચાર રે, માતા કેમ વીસરે?

મારી સાસુએ ઢોલિયા ઢાળિયા,

ઓશીકે કાળો નાગ રે, સાસુ કેમ સાંભરે?

મારી માતાએ ઢોલિયા ઢાળિયા,

ઓશીકે નાગર વેલ્ય રે, માતા કેમ વીસરે?

એક ટોપલી ભરીને બાજરી,

અમે દળતા’તાં સારી રાત રે, સાસુ કેમ સાંભરે?

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 134)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જોરાવરસિંહ જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959