rang lagyo - Lokgeeto | RekhtaGujarati

રંગ લાગ્યો

rang lagyo

રંગ લાગ્યો

રંગ લાગ્યો, ચૂંદડીએ રંગ લાગ્યો,

હોવે હોવે ચૂંદડીએ રંગ લાગ્યો.

મારી ચૂંદડીના ચટકા ચાર – ચૂંદડીએ.

મારા પ્રભુજી આવ્યા પરોણલા

એમને શાં શાં બેસણ દઈશ – ચૂંદડીએ.

એમને સાંગામાંચી હીરે ભરી

ચૂંદડી લાલગુલાલ – ચૂંદડીએ.

મારા પ્રભુજી આવ્યા પરોણલા

એમને શાં શાં દાતણ દઈશ – ચૂંદડીએ.

મારા પ્રભુજી આવ્યા પરોણલા

એમને શાં શાં ઝીલણ દઈશ – ચૂંદડીએ.

એમને તાંબા તે કૂંડીઓ જળે ભરી

એમને હીરકોરી ધોતિયાં દઈશ – ચૂંદડીએ.

મારા પ્રભુજી આવ્યા પરોણલા

એમને શાં શાં ભોજન દઈશ – ચૂંદડીએ.

એમને સેવ સુંવાળી લાવસી

એમને ખોબલે પીરસી ખાંડ – ચૂંદડીએ.

મારા પ્રભુજી આવ્યા પરોણલા

એમને શાં શાં મુખવાસ દઈશ – ચૂંદડીએ.

એમને લવિંગ સોપારી એલચી

એમને બીડલે બાસઠ પાન – ચૂંદડીએ.

રસપ્રદ તથ્યો

(રખિયાલ બત્રીસપુરાની બહેનોએ આપેલો ગરબો.)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 48)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શિવશંકર પ્રાણલાલ શુક્લ
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959