rang bhije chhe - Lokgeeto | RekhtaGujarati

રંગ ભીજે છે

rang bhije chhe

રંગ ભીજે છે

રંગની શીશી રંગે ભરી, રે રંગ ભીંજે છે,

ભીંજે છે મહારાજ! ગુલાબી રંગ ભીંજે છે.

આ ચીની ચલાણાં રંગે ભર્યાં, રે રંગ ભીંજે છે,

તમે મરદન કરતા જાવ, ગુલાબી રંગ ભીંજે છે.

આ તાંબાકુંડી જળે ભરી, રે રંગ ભીંજે છે,

તમે નાવણ કરતા જાવ, ગુલાબી રંગ ભીંજે છે.

આ શીરા પૂરી ને લાપશી, રે રંગ ભીંજે છે,

તમે ભોજન કરતા જાવ, ગુલાબી રંગ ભીંજે છે.

આ પાન સોપારી ને એલચી, રે રંગ ભીંજે છે,

તમે મુખવાસ કરતા જાવ, ગુલાબી રંગ ભીંજે છે.

આ સાગ સીસમના ઢોલીઆ, રે રંગ ભીંજે છે,

તમે પોઢણ કરતા જાવ, ગુલાબી રંગ ભીંજે છે.

આ સોના રૂપાનાં સોગઠાં, રે રંગ ભીંજે છે,

તમે રમત રમતા જાવ, ગુલાબી રંગ ભીંજે છે.

આ રંગની શીશી રંગે ભરી, રે રંગ ભીંજે છે,

ભીંજે છે મહારાજ! ગુલાબી રંગ ભીંજે છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 248)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ચંદ્રિકા જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968