re sakhi paDwe te panthe chalya re - Lokgeeto | RekhtaGujarati

રે સખી પડવે તે પંથે ચાલ્યા રે

re sakhi paDwe te panthe chalya re

રે સખી પડવે તે પંથે ચાલ્યા રે

રે સખી પડવે તે પંથે ચાલ્યા રે,

રે વન કેરા મારગ જાલ્યા રે,

રે સાથે સીતાને લક્ષ્મણ બાળરઘુપતિ.

રામ હૃદયમાં રહેજો.

રે સખી બીજે તે મઢીએ બિરાજે રે,

રે સખી ત્રીજે તરભુવન જાડી રે,

સીતા વનફળ મગાવે દો’ડી દો’ડી રે,

એવી શોભે સીતાજીની વાડી રે,—રઘુપતિ.

સખી ચોથે કેવડીયો બહેકે રે,

ફળફલને મોગરો લહેકે રે,

એવી લીલી લટાયુ લહેકે રે,—રઘુપતિ,

સખી પાંચમે પોપટ પાળ્યો રે,

પાંખ ઢીલીને કાંઠલો કાળો રે,

મુખે રામ જપંતા ભાળ્યો રે,—રઘુપતિ.

સખી છઠે સીતરવાને આવ્યો રે,

બે મુખો મ્રગ બનાવ્યો રે,

એવું કપટ રાવણે કર્યું રે—રઘુપતિ.

સખી સાતમે શ્રી હરિ સમર્યા રે,

વાડીએ ઉડાર્યા છે ભમરા રે,

ડોકા સાથે ઉડાડ્યા છે ડમરા રે,—રઘુપતિ.

સખી આઠમે નહીં કોઈ આરો રે,

મૃગલાને કોઈ મારો રે,

ઈનો કસબો થશે બહુ સારે રે,—રઘુપતિ.

સખી નોમે ને નાખ્યું તીર રે,

જઈ લાગ્યો મ્રગને શરીર રે,

તો પડંતા રામ પોકાર્યો રે,—રઘુપતિ.

સખી દશમે દઈયા અમને રે,

રે બાળાબંધ બોલાવે છે તમને રે,

આડી આણ્યું છે રામની અમને રે,—રઘુપતિ.

સખી એકાદશી અપવાસી રે,

રાવણે લાગ જોયો છે તપાસી રે,

સીતાને રાવણ લઈ ગયો નાસી રે,—રઘુપતિ.

સખી બારસે હનુમાનજી બળિયારે,

દાંતે રેખાને જન્મના છળીયા રે,

જઈને જુગમાયાને મળીયા રે,—રઘુપતિ.

સખી તેરસે ત્રંબાળું ગાજે રે,

એવી હાંક હનુમાન તણી વાગે રે,

એવી લાયુ લંકામાં લાગે રે,—રઘુપતિ.

સખી ચૌદશે સંન્યાધારી રે,

પાણી ઉપર પથ્થર તારી રે,

એમ કરીને સંન્યાયુ તારી રે,

એવો રાવણ માર્યો છે અહંકારી રે,—રઘુપતિ.

સખી પૂનમે તથુ થઈ પુરી રે,

એમાં એકેય નથી અધુરી રે,

આતમરામ, રામ રામની વાણી મધુરી રે,

રામ સીતાવાળી ઘરે લાવ્યા—રઘુપતિ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 26)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી, જોરાવરસિંહ ડી. જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963