lokramayan - Lokgeeto | RekhtaGujarati

લોકરામાયણ

lokramayan

લોકરામાયણ

કનકા કટોરામાં કેસર ઘોળ્યાં, તેમાંથી સીતા પેદા થયાં.

બાર વરસનાં સીતા થયાં, લઈ પાટીને ભણવા ગયાં.

ભણી ગણી નવ સિદ્ધ થયાં,

વનમાં જઈને મઢી રચી,

મોરને પીછે મઢી રચી.

રામ લખમણ ખોદાવે કૂવા,

સીતાએ વાવ્યો અમરો ને ડમરો,

જેમ જેમ સીતા પાણીલાં સીંચે,

તેમ તેમ ડમરો લે’રે જાય.

જેમ જેમ ડમરો લે’રાં લેય,

તેમ તેમ મરઘો હરી-ચરી જાય.

સીતાની વાડીમાં અમરો ને ડમરો, ડમરો લે’રાં લેય, વહાલા!

મરઘો હરી ચરી જાય વહાલા!

ચરતેલો મરઘલો સીતાએ દીઠો ને

સીતાને લાગી છે રઢ વહાલા!

ધીરે ‘લ્યા મરઘા, તજને મરાવું ને

કંચવડો સિવડાવું રે.

સોના કંચવડો રૂડી રૂડી પહેરું ને

મરઘા કંચવડાની હોંશ, વહાલા!

તમને સોહે સીતા! સોના કંચવડો,

મરઘો માર્યો કેમ જાય, વહાલા!

ઊઠ્યા છે રામ ને લીધાં છે બાણો રે,

મરઘો મારવા કાજ, વહાલા!

પહેલું બાણ લખમણે સાંધ્યું ને

જઈ પડ્યું લંકામોઝાર, વહાલા!

બીજું તે બાણ રામે માર્યું ને

વાગ્યું મરઘા શરીર, વહાલા!

ચરતેલે મરઘે પાડી છે ચીસ રે

‘ધાજો લખમણ વીર’ વહાલા!

મઢીની બા’ર પગ મેલો તો

રામદુવાઈની આમ, વહાલા!

જોગીને વેશે રાવણ આવ્યો ને

ભિક્ષા લેવાને કાજ, વહાલા!

સીતા રે માજી! ભિક્ષા રે આપોને,

આવ્યા તપેસરી મા’રાજ વહાલા!

થાળ ભરીને સીતા વનફળ લાવ્યાં ને

લેવ રે તપેસરી મા’રાજ, વહાલા!

ભૂખી ભિક્ષા તારી નહિ રે લઉંને,

પાવડીએ પગ દેવ, વહાલા!

એક પગ મારી પાવડીએ મૂકો ને

બીજો ઉમરલા હેઠ, વહાલા!

એક પગ પાવડીએ મૂક્યો ને

બીજો પગ ઉમરલા હેઠ, વહાલા!

ખાંધે બેસાડીને રાવણ નાઠો ને

લઈ ગયો લંકા મોઝાર, વહાલા!

મરઘો મારીને રામ મઢીએ સધાર્યા ને

મઢીમાં ઊડે છે કાળા કાગ, વહાલા!

મરઘો મારીને રામ ઘેર આવ્યા ને,

મઢી સૂનેરી દીઠ, વહાલા!

રામ રૂવે ને લખમણ ધીરવે,

ઘેલા ના રોશો રામ, વહાલા!

એવી સીતાઓ બીજી લાવીશું ને,

સીતા ધરાવીશું નામ, વહાલા!

વનવન ચંદન ક્યાંથી હોય?

ઘેર ઘેર સીતા ક્યાંથી હોય?

આટલાં જુદ્ધોમાં કોણ કોણ જુદ્ધો ને,

લાવે સીતાજીની શોધ વહાલા!

આટલા જુદ્ધોમાં હનુમાન જુદ્ધો ને

લાવે સીતાજીની શોધ, વહાલા!

હું જાઉં સીતા મા શોધ રે,

સીતાને રામચંદર સાંભરે રે લોલ!

અલ્યા! ત્યાંથી તે ઠેકડો મારિયો રે,

જઈ પડ્યો લંકા મોઝાર રે,

સીતાને રામચંદર સાંભરે રે લોલ!

વાંદર બેઠો વાવને ટોડે,

બેઠો પનિહારીઓને પૂછી જુવે;

રાવણ છે કે મરી ગયો?

રાવણ બેઠો રાજ કરે.

કે’રે પનિયારી બે’ની, સાચા બોલ,

સીતા માતા કાંયે વસ્યાં?

આસાપાલવને વડલા છાંય,

સીતા માતા ત્યાંયે વસ્યાં!

રે મુદ્રિકા ક્યાંથી લાવિયો રે લોલ,

રે મુદ્રિકા મારા રામની રે લોલ,

સીતાને રામચંદર સાંભરે રે લોલ.

સીતા માતા! મને ભૂખો રે લાગિયો,

ને ભોજનિયાં મને આલજો.

રે વાડી રાજા રાવણની રે,

પડ્યાં વનફળ વીણી ખાજો.

ત્યાંથી વાંદરે ઠેકડો માર્યો રે લોલ.

જઈ પડ્યો વાડીની માંય રે,

સીતાને રામચંદર સાંભરે રે લોલ.

એક ભાંગે ને બીજું આંબળે રે લોલ,

એક પાડે ને બીજું આંબળે રે લોલ.

ડાળ ઝાલીને ઢંઢોળિયાં રે લોલ,

એની વાડી કરી ઊંધામૂળ રે,

સીતાને રામચંદર સાંભરે રે લોલ.

વાડીનો રખવાળ આવિયો રે લોલ,

મારી વાડી કરી ઊંધામૂળ રે,

સીતાને રામચંદર સાંભરે રે લોલ.

વાડીવાળે કરી ફરિયાદી રે લોલ,

મારી વાડી કરી ઊંધામૂળ રે,

સીતાને રામચંદર સાંભરે રે લોલ.

બારે ગામોનાં ગોદડાં રે લોલ,

તેરે ઘાંણીનાં તેલ રે,

સીતાને રામચંદર સાંભરે રે લોલ.

વીંટાળો વાંદરાના પૂંછડે રે લોલ,

તેરે ઘાંણીનાં તેલ રે,

સીતાને રામચંદર સાંભરે રે લોલ.

રેડાવો વાંદરાના પૂંછડે રે લોલ,

લગાડો વાંદરાનું પૂછ રે,

સીતાને રામચંદર સાંભરે રે લોલ.

ત્યાંથી તે ઠેકડો મારિયો રે લોલ,

જઈ પડ્યો મઢી માંય રે,

સીતાને રામચંદર સાંભરે રે લોલ.

બળી બળી રાવણ તારી મઢી રે લોલ,

બળી રાવણ તારી મૂછ રે,

સીતાને રામચંદર સાંભરે રે લોલ.

વાંદર કૂદિયો હડૂક દઈ,

લંકા બળી ભડૂક દઈ!

ત્યાંથી તે ઠેકડો મારિયો રે લોલ,

જઈ પડ્યો દરિયાની માંય રે,

સીતાને રામચંદર સાંભરે રે લોલ.

દરિયા માએ મારી ઝાલક રે લોલ,

હોલવ્યું વાંદર તારું પૂછ રે,

સીતાને રામચંદર સાંભરે રે લોલ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 197)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શંકરભાઈ સોમાભાઈ તડવી અને રેવાબહેન તડવી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957