- Lokgeeto | RekhtaGujarati

રામ રે મારા વનના વાસી કાં બોલ્યા વચન!

મ્રગ મારીને તેના ચામડાનો કસબોરે સીવડાવોજી!

સાવ રે સોનાનો સીતા કંસ પંખીની હાણ!

પોતાના સવારથ માટે પંખીના કાઢવા પ્રાણ!

નહીં મા નહીં બાપ નહીં કાકા નહીં કુટુંબ

જઈને કોણ લડાવે લાડ?

સીતા સતી વેણ ઓછા બોલ્યા રામદેવ શીકારે ચડ્યા,

સોના કામઠડીને રૂપાના તીર હો રામદેવ શીકારે ચડ્યા.

વનમાં જાતા મ્રગ સરતા દીઠો રામદેવ શીકારે ચડ્યા,

સોના કામઠડી ને રૂપલાતીર જોને રામદેવે તીર સાધ્યા.

તીર વાગતા મ્રગે નાખી ચીસ,

ધાજો ધાજો લક્ષ્મણવીર,

ઘેલી સતી તમે ઘેલું ઘેલું શું બોલે!

અમ બંધવને ભીડ પડે ત્યારેય પાછળ હઠે!

લક્ષ્મણ વીરને કપટ હશે તો નહીં જાય રામની પાસે.

સીતાસતી વેણ કઠોર બોલીયા.

લક્ષ્મણવીર ત્યાંથી ચાલ્યા.

હરતા ને ફરતા જોગી આવ્યો,

રામ તણી જો મઢીએ,

શબ્દ નાખીને ઊભો રહ્યો,

ભિક્ષા દો સીતાનાર!

થાળ ભરી સીતા વનફળ લાવ્યા,

લ્યો જોગીજી ભિક્ષા સ્વીકારોજી!

છૂટી ભિક્ષા હું નથી લેતો.

મારા ગુરૂને છે બે ગાય.

એક પગ મેલો પાવડી એને

બીજો મઢીની બહાર,

હાથ ચડાવી કાંધ ચડાવી

હરી ગયો સીતા નાર,

મ્રગ મારીને રામદેવ મઢીએ આવ્યા,

મઢીયે આવતા મઢીયું સુની દીઠી,

મઢીએ આવ્યે મઢીએ પડ્યા કાગળ,

આસો-પાલવને ઝાડને કાંય મેલ્યા સીતાનાર.

સોળસે ગોપીયું ટોળે મળી એમાં મનોહરી રાણી,

મળવા બેઠા, સીતાજી અવળા ફર્યાજી.

આવા સીતા તમે સતિ હતા ત્યારે શીદ આવ્યા રાવણ સાથે!

મુજ કળાપો તુજ રંડાપો દેવા માટે આવીજો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 29)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી, જોરાવરસિંહ ડી. જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963