- Lokgeeto | RekhtaGujarati

કેગા કરોધમાં બોલીયા રે,

રામે લક્ષ્મણ વને જાય, પેલું તે વન રામે મેલીયું રે!

બીજલે વન ચાલ્યા જાય, ત્રીજે વન મઢીયુ માળી રે!

રામ ગળાવે છે વાળ, સીતાજી રોપે છે ઝાડ,

રોપે છે મરવોને ડમરો રે રોપે છે દાડમને દ્રાક્ષ!

છાપ્યો ચંપોને ઘાંટ્યો મરવો રે, રોપ્યો ચમેલીનો છોડ,

વનફળ લે’રે લે’રે જાય, રાજા તે રાવણનો મૃગલો રે!

વનફળ ચરી ચરી જાય, ચરંતા સીતાજીએ દીઠ્યો રે!

જઈ સીતાજીએ વિનંતિ કરી છે રે, મૃગલો મારો મરાવો રે!

તેની મુને કાસલડી સીવડાવો, સાવરે સોનાની સીતા કાચળી રે!

ચામડાની શી થઈ છે રઢ રે!

નહીં રે નહીં રે કાકા નહીં રે કુટુંબી, મારે નહીં રે મામા નહીં મોસાળ.

મારે નહીં રે માડી જાયા વીર, સીવડાવે મુને કાંસલડી.

દોડો દોડો લક્ષ્મણ બંધવા રે રામે તે ચીસુ પાડી રે.

પે’લી તે ચીસે લક્ષ્મણ દોડીયા રે રામ મરાણા જાય.

નહીં રે મામા નહીં રે મોસાળ નહીં રે કાકા નહીં રે કુટુંબી,

નહીં રે માડી જાયા વીર કોણ રામની વા’રે જાય?

આડી આણ્યુ રામની દઈ લક્ષ્મણ વા’રે જાય.

રાવણ ભિક્ષા લેવા આવીયો, સીતા ભિક્ષા દે,

આડી આણ્યું તે મારા રામની કેમ કરી ભિક્ષા દઉ?

આણ્યું ઉપર મેલુ પાવડી, પાવડીએ પગ દઈ ભિક્ષા દે.

એવામાં રાવણ હરી ગયો સીતાનાર.

રામ આવ્યા છે મઢીએ કાંગા રોઈ

રામ રૂવે લક્ષમણ રીઝવે, રે.

ઘેલા શું રૂવો રામ, સીતા સરખી લાવશું

સીતા ધરાવશું નામ રે.

તળાવ તળાવ કમળ નીપજે, થડ થડ ચંદન હોય,

ઘેર ઘેર નારી નીપજે, ઘેરઘેર સીતા હોય.

રાત્રે તે બીડલુ ફેરવ્યું, બીડલા લ્યો કોઈ હાથ.

હાફ કરતા હનુમાન જાગીયા બીડલા લીધા હાથ.

ત્યાંથી તે હનુમ ઠેકીયા, જઈ પડ્યા લંકા મોજાર.

બેની પાણિયારી તને વિનવું સીતાની સુધ મને આપ.

ક્યાંથી આવ્યો તું વાંદરા ક્યા મુલકમાં રહેશ?

રામે તે મને મોકલ્યો, સીતાની સુધ લેવા આવ્યો.

રાજા રાવણની વાડીએ સીતા ઝોલા ખાય.

ત્યાંથી હનુમાન ઠેકીયા જઈ પડ્યા વાડી મોજાર.

ત્યાંથી અંગુઠડી નાખી છે. રૂમાલ સીતા સતિ જુએ છે.

ક્યાંથી આવ્યો તું વાંદરા ક્યા મુલકમાં રહેશ?

રામનો મેલ્યો અયોધ્યાથી સીતાની સુધ લેવા આવ્યો.

ભૂખ્યો હશે તું વાદરા પડ્યા વન ફળ વીણીખા,

જૂડી ઝંજેરી ઝાપટી ખંખેરીને ખાય.

માળી આવ્યો માથા સૂંથતો રાવણ આગળ રાવ.

ક્યા મલકનો વાંદરો વાડી અવડપાડ

મારજો લોઢે લાકડે, મારજો એરણ ઘા.

સાચું બોલે તું વાંદરા, શાને છે તારું મોત?

આખી લંકાના ગોદડા તેર ઘાણીના તેલ

બાંધો વાંદરને પૂંછડે આવ્યા વાંદરના મોત.

બાંધ્યા વાંદરને પૂંછડે આવ્યા વાંદરના મોત.

ત્યાંથી તે હનુમાન ઠેકીયા, જઈ પડ્યા લંકા મોજાર.

બાળ્યા ચોરાસી ચોવટા, બાળ્યા રાવણના રાજ.

બાળી રાવણના રાજ હનુમાન જઈ પડ્યા દરિયા મોજાર

શાબાશ હનુમાન ભગવંતા લાવ્યા સીતાની સુધ..........

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 23)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી, જોરાવરસિંહ ડી. જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963