ram wanwas - Lokgeeto | RekhtaGujarati

રામ વનવાસ

ram wanwas

રામ વનવાસ

ઉતરખંડમાં અજોઘા એક નગરી રે,

તિંયા રાજા દશરથ કરે રાજ રે;

ગરબી ગાયેં તો રૂડા રામની રે.

રાજા દશરથને ત્રણ છે રાણિયું રે,

કેગે, કૌશલ્યા, ને સુમિત્રા છે નામ રે;

ગરબી ગાયેં તો રૂડા રામની રે.

રાજા દશરથને ચાર ચાર બેટડા રે,

ભરત, શતરૂઘન, લખમણ, ને રામ રે;

ગરબી ગાયેં તો રૂડા રામની રે.

રાજા દશરથનો અંગુઠો પાકિયો રે,

એના અંગુઠામાં અતિ ઘણાં દુઃખ રે;

ગરબી ગાયેં તો રૂડા રામની રે.

રાણીને મુખે અંગુઠો, રાજા પોઢિયા રે,

અંગુઠો ફૂટ્યો છે અધમધ રાત રે;

ગરબી ગાયેં તો રૂડા રામની રે.

રાણી કૌશલ્યા કોગરો કરવા નીસર્યાં રે,

કેગેયેં લીધો અંગુઠો મુખમાંય રે;

ગરબી ગાયેં તો રાજા રામની રે.

અંગુઠો ફૂટ્યો, ને દશરથ જાગિયા રે,

માગો માગો રાણીજી વચન રે;

ગરબી ગાયેં તો રાજા રામની રે.

માગું માગું વચન રાજા, એટલું રે,

ભરતને રાજ, રામ જાય વનવાસ રે;

ગરબી ગાયેં તો રાજા રામની રે.

લાવો કાગર, ને કરીએ ચીઠડી રે,

ચીઠી ચોડિયે ડેલી ને દરબાર રે;

ગરબી ગાયેં તો રાજા રામની રે.

એના હાટે રૂવે છે હાટ-વાણિયા રે,

એના ચોરે રૂવે છે ચારણ-ભાટ રે,

ગરબી ગાયેં તો રૂડા રામની રે.

એનાં ઘોડાં રૂવે છે ઘોડારમાં રે,

એના હાથી રૂવે દરબાર રે;

ગરબી ગાયેં તો રાજા રામની રે.

એની રાણી રૂવે રંગમો’લમાં રે,

એની દાસી રૂવે દરબાર રે;

ગરબી ગાયેં તો રાજા રામની રે.

એની માતા રૂવે છે ખોબે પાણિયે રે,

એનો દાદો રૂવે છે દરબાર રે;

ગરબી ગાયેં તો રાજા રામની રે.

રામે કાળો તી પોસાંગ પે’રિયો રે,

રામે લીધી છે વનની વાટ રે;

ગરબી ગાયેં તો રાજા રામની રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 39)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કાળીદાસ મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968