radhikana mahina - Lokgeeto | RekhtaGujarati

રાધિકાના મહિના

radhikana mahina

રાધિકાના મહિના

કહો ને સખી કારતક કેમ જાશે,

કે વનમાં મોરલી કોણ વાશે.

કે મહીનો દાણી કોણ થાશે,

કે જમુના જાવા દો પાણી!

કે માગશરે મન મારું મળિયું,

કે વિષયાભાવ થકી ટળિયું,

કે જેમ લૂણ પાણીમાં ભળિયું,

કે જમુના જાવા દો પાણી!

કે પોષે શોષ પડ્યા અમને,

વ્હાલા મારા શું કહીએ તમને,

કે દિલાસા દીધા છે અમને,

કે જમુના જાવા દો પાણી!

કે માઘ મકર તણે માતે,

કે ફૂલડિયાં બેર’તી તી ખાંતે,

કે વાલાજી મારા મથુરાની વાટે,

કે જમુના જાવા દો પાણી!

કે ફાગણે ફળફૂલે હોળી,

કે ઓઢ્યાં ચરણા ને ચોળી,

કે ચૂંદડી કેસરમાં રોળી,

કે જમુના જાવા દો પાણી!

કે ચઈતરે ચતુરા ચિત્ત ધરતી,

કે વ્હાલાજીના ગુણ ગાતી ફરતી,

કે તોયે મારા વ્હાલે કીધી વરતી,

કે જમુના જાવા દો પાણી!

કે વઈશાખે વાયા વાવલિયા,

કે ઘેર પધારો નાવલિયા,

કે દૂધડે ધોઉં તારા પાવલિયા,

કે જમુના જાવા દો પાણી!

કે જેઠે જગજીવન આવ્યા,

કે સહુ લોક વધામણી લાવ્યા,

કે વ્હાલાજી મારા કશુંયે લાવ્યા,

કે જમુના જાવા દો પાણી!

કે અષાઢે અબળા થઈ ઝાંખી,

કે વહાલે મારે ભરજોબનમાં રાખી,

કે વિચારો હવે વાત થશે વાંકી,

કે જમુના જાવા દો પાણી!

કે શ્રાવણ સરવડીએ વરસે,

કે નીર નદીએ ઘણાં ઢળશે,

કે કોયલડી ટહુક ટહુ કરશે,

કે જમુના જાવા દો પાણી!

કે ભાદરવો ભલી પેર ગાજે,

કે સહિયર ઘેર વલોણું ગાજે,

કે તે તો મારા રુદિયામાં દાઝે,

કે જમુના જાવા દો પાણી!

કે આસોની રજની અજવાળી,

કે સેવ વણું રે સુંવાળી,

કે વાલા વિના શી દિવાળી,

કે જમુના જાવા દો પાણી!

કે રાધાના હાથે સોનાની ચૂડી,

કે રમતાં દીસે છે રૂડી,

કે દુ:ખ રે સરવે ગયાં બૂડી,

કે જમુના જાવા દો પાણી!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 335)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957