radhane melyan jhultan - Lokgeeto | RekhtaGujarati

રાધાને મેલ્યાં ઝૂલતાં

radhane melyan jhultan

રાધાને મેલ્યાં ઝૂલતાં

ઊંચી રબારણ ઝરમરિયાશાં ચીર જો,

માથે ને દોણી રે રબારણ ઊતરી.

વહેતીને નદી રે રબારણ ઊતરી.

પાળે રે ઊભો કાનુડિયો ગોવાળ જો.

કહે રે રબારણ પરણી કે કુંવારી જો?

કહે રે કાનુડિયા તારે શી પડપૂછ જો?

નથી ને પરણી રે બાળ કુંવારડી.

કહે રે કાનુડિયા પરણ્યો કે કુંવારો જો.

કહે રે રબારણ તારે શી પડપૂછ જો?

નથી ને પરણ્યો રે બાળ કુંવારડો.

જોષી રે ગામના જોષીડા તેડાવો જો,

લગનિયાં જોવડાવો રે રવજીના ચોકમાં.

આજ થઈ સાતમને શનિવાર જો,

લગનિયાં ગયાં રે ઘણાં વેગળાં.

આજ થઈ બારશને બુધવાર જો,

લગનિયાં આયવાં રે રૂડાં ઢૂકડાં.

સાગ રે કેરી થાંભલિયો વઢાવો જો,

માંડવડો રચાવો રે રવજીના ચોકમાં.

સમળા કેરી ડાળખલી મંગાવો જો,

માંડવડો બંધાવો રે રવજીના ચોકમાં.

આંબા રે કેરાં પાંદડિયાં મંગાવો જો,

તોરણિયાં બંધાવો રે રવજીના ચોકમાં.

સરખી રે સરખી સાહેલીઓ તેડાવો જો,

ધોળ-મંગળ ગવડાવો રવજીના ચોકમાં.

ગંગા રે કેરી ગોરમટી મંગાવો જો,

ચોરીઓ બંધાવો રે રવજીના ચોકમાં.

લીલા રે પીળા ચોખલિયા પીલાવો જો,

ચોરીઓ ચીતરાવો રે રવજીના ચોકમાં.

ગુજર ગામનાં ગુજરિયાં મંગાવો જો,

ફરતાં ને મુકાવો રે રવજીના ચોકમાં.

નડિયાદ ગામનાં નાડલાં મંગાવો જો,

તોરણિયાં બંધાવો રે રવજીના ચોકમાં

*...... ગામના બાંમણિયા તોડાવો જો,

ધોળ-મંગળ ગવરાવો રે રવજીના ચોકમાં.

પરણ્યાં રે પરણ્યાં સીતાને સરીરામ જો,

રાધાને મેલ્યાં રે વનમાં ઝૂલતાં!

રસપ્રદ તથ્યો

*પોતાના ગામનું નામ મૂકીને ગવાય છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 195)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શંકરભાઈ સોમાભાઈ તડવી અને રેવાબહેન તડવી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957