radhajinun rusanun - Lokgeeto | RekhtaGujarati

રાધાજીનું રુસણું

radhajinun rusanun

રાધાજીનું રુસણું

સાસુ બારણે સાદ કરે છે, ઊઠો રાધા ગોરી,

રાધા રંગીલી મહી વલોવો, મહીડા વેળાયું થઈ ગઈ જો.

મસરક દઈને મેડીએથી ઊતર્યાં, દીવડલા અંજવાળ્યા જો,

ગોળી મહીં તો ગોરસ પૂર્યાં, મહીં પૂર્યો રવાયો જો.

મહી વલોવી માટ ભર્યાં, દૂધ વેચવા ચાલ્યાં જો,

દૂધ વેચ્યાં, દહીં વેચ્યાં, વેચ્યાં જમુનાનીર જો.

વેચી કરીને રાધા ઘેર આવ્યાં, ક્યાં ગયાં મારા બૈજી જો,

હો મારાં બૈજી, શિરામણ દ્યોને, શિરામણ વેળા થઈ છે જો.

બૈ રે પાડોશણ બે’ન કહું છું, તું સાંભળ વહુની વાત જો,

ઢીંચણ સમાણાં ખાંદણાં પડિયાં, વાસીદાં નો વાળ્યાં જો.

પાણિયારાં તો ખાલી પડ્યાં, ને કળશિયા નો ઊટક્યા જો.

ઢીંચણ સમાણાં ખાંદણાં કાઢ્યાં, વાસીદાં તો વાળ્યાં જો,

પાણિયારાં તો છલકાઈ ગયાં, કળશિયા ઊટકી નાખ્યા જો;

હો મોરાં બૈજી, શિરામણ દ્યોને, શિરામણ વેળાયું થઈ છે જો.

સાવરણા કેરો માર માર્યો, ઢીંકા મેલ્યા ચાર જો,

પાટુ રે મારી પાડી દીધાં, અડબોથે અબડાવ્યાં જો.

મસરક દઈને મેડીઓ ચડિયાં, રાધાજી રીસાણાં જો,

ગાયું ચારીને કા’ન ઘેર આવ્યા, ક્યાં ગયાં રાધા ગોરીજી!

મસરક દઈને મેડિયે ચડિયા, રાધાએ રુસણાં લીધાં જો,

સાવરણા કેરો માર માર્યો, ઢીંકા મેલ્યા ચાર જો.

પાટુ રે મેલી પાડી દીધાં, અડબોથે અબડાવ્યાં જો,

મસરક દઈને મેડીએથી ઊતર્યા, માને જઈ સંભળાવ્યું જો:

‘આ લ્યો માતાજી, કોઠી કોદરા, ખૂણે ભરડી ખાજો જો,

રાધા રંગીલાંને કંઈ નહીં કહેવાય, રાધા તો ઠકરાણીજી.’

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા મણકો -૫ (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સંપાદક : ડૉ. મંજુલાલ ર. મજમુદાર, શ્રી બચુભાઈ રાવત, શ્રી મનુભાઈ જોધાણી, શ્રી દુલાભાઈ કાગ, શ્રી મેરુભા ગઢવી, શ્રી પુષ્કર ચંદરવાકર, શ્રી ચંદ્રકાન્ત વાઘેલા, શ્રી કનૈયાલાલ જોષી, શ્રી પ્રહ્લાદ પરીખ, સંપા. જોરાવરસિંહ ડી. જાદવ
  • પ્રકાશક : ગુજરાત રાજ્ય લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966