shobha shri ramni - Lokgeeto | RekhtaGujarati

શોભા શ્રી રામની

shobha shri ramni

શોભા શ્રી રામની

આરસ પાણનો ઓટલો રે, શોભા શ્રી રામની;

ત્યાં બેસી શ્રીકૃષ્ણ ના’યા રે, શોભા શ્રી રામની.

શ્રીકૃષ્ણે ખીલા ખોડીઆ રે, શોભા શ્રી રામની;

રાધાજીએ બાંધી ગવરી ગાય રે, શોભા શ્રી રામની.

શ્રીકૃષ્ણે વાછરૂ મેલીઆં રે, શોભા શ્રી રામની;

રાધાજીએ દોઈ ગવરી ગાય રે, શોભા શ્રી રામની.

શ્રીકૃષ્ણે ગોરસ મેળવ્યાં રે, શોભા શ્રી રામની

રાધાજીએ ઘૂમ્યાં છે મહી રે, શોભા શ્રી રામની.

શ્રી કૃષ્ણે માખણ ઊતારીઆં રે, શોભા શ્રી રામની;

રાધાજીએ તાવણ તાવી રે, શોભા શ્રી રામની.

શ્રી કૃષ્ણે જવ તલ હોમીઆ રે, શોભા શ્રી રામની;

રાધાજીએ હોમી ઘીની ધાર રે, શોભા શ્રી રામની.

વાસુદેવના પુત્ર શ્રી કૃષ્ણજી રે, શોભા શ્રી રામની;

કુળ તેણે અજવાળ્યા રે, શોભા શ્રી રામની.

આરસ પાણનો ઓટલો રે, શોભા શ્રી રામની;

ત્યાં બેસી શ્રી કૃષ્ણ ના’યા રે, શોભા શ્રી રામની.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 217)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, કસ્તુરી નાનુભાઈ જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968