radhka rangbhini - Lokgeeto | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રાધકા રંગભીની

radhka rangbhini

રાધકા રંગભીની

બીલી બીલીનો રંગ લાગ્યો રૂડો હો

રાધકા રંગભીની!

તારા માથાનો અંબોડો હો, રાધકા રંગભીની!

જાણે દરિયાનો હિલેાળો હો, રાધકા રંગભીની. –બીલી.

તારી આંખ્યુનો ઉલાળો હો, રાધકા રંગભીની!

જાણે દરિયાનો હિલોળો હો, રાધકા રંગભીની. –બીલી.

તારા નાકડિયાની ડાંડી હો, રાધકા રંગભીની!

જાણે દીવડીએ શગ માંડી હો, રાધકા રંગભીની. –બીલી.

તારા હાથની હથેળી હો, રાધકા રંગભીની!

જાણે બાવલપરની થાળી હો, રાધકા રંગભીની. –બીલી.

તારા હાથની આંગળિયું હો, રાધકા રંગભીની!

જાણે ચોળામગની ફળિયું હો, રાધકા રંગભીની. –બીલી.

તારા પેડિયાનો ફાંદો હો, રાધકા રંગભીની!

જાણે ઊગ્યો પૂનમ-ચાંદો હો, રાધકા રંગભીની. –બીલી.

તારા વાંસાનો વળાંકો હો, રાધકા રંગભીની!

જાણે સરપનો સડાકો હો, રાધકા રંગભીની. –બીલી.

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય-1 (પૃષ્ઠ ક્રમાંક 252)
  • સંપાદક : હીરા રામનારાયણ પાઠક અને અનંતરાય રાવળ
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981