prem gita - Lokgeeto | RekhtaGujarati

પ્રેમ-ગીતા

prem gita

પ્રેમ-ગીતા

શ્રી ગુરૂ-કેરાં ચરણ રે, પ્રેમે કરી પૂજીએ;

શારદાને શિશ નામી રે, વાણી શુભ દીજીએ. 1

પ્રભુ મારા તરણ-તારણ રે, કૃપા કરો મુજને;

દામોદર! દુઃખ-હરણ રે, વાણી આપો મુજને. 2

તો શું, આસન ઊંચા રે, બાળક અજાણમાં;

દુર્લભ છે મનખા-દેહી રે, ચોરાશી ખાણમાં. 3

મોહનજીએ મસ્તક આપ્યાં રે, ચરણે નમાવાને;

જીવનજીએ જીમડી આપી રે, હરિ-ગુણ ગાવાને. 4

નારાયણે નેત્ર આપ્યાં રે, જોવા હરિ-રૂપને;

શામળિયાએ શ્રવણ આપ્યા રે, સાંભળવા શ્યામને,

હરજીએ હાથ આપ્યાં રે, પ્રભુ પ્રણામવા. 5

ચત્રુભુજે ચરણ આપ્યાં રે, તિરથ-વ્રત-ધર્મને; 6

માળા તો મનની આપી રે, છૂટવા કર્મને.

કૃષ્ણજીએ કાયા ઘડી છે રે, કાચી જોને કાચની;

મોહનજીએ માયા મે’લી છે રે; સાચી કરી માનવી. 7

માયાના તો મર્મ મોટા રે, કરે ફંદ જૂજવા;

સંસારને શેઢલે જાતા રે, તે તો બૂડી મૂવા. 8

કથા કીર્તન કરૂં છું રે, સાંભળજોને સારંગપાણિ;

ગોપીની પ્રેમગીતા રે, ઓધવજીએ આપે વખાણી. 9

એક સમે એકાંતે બેઠા રે, ઓધવ ને શ્રી હરિ;

વિનોદની વાતો કરતા રે, વ્રજલીલા સાંભરી. 10

કૃષ્ણ કહે સાંભળો ઓધવ રે, ગુણ ગોકુળ તણાં;

વનમાં વેણું વાતા રે, સંગે ગોવાળા ઘણા. 11

મથુરાને મારગે જાતાં રે, રોકતાં રીત-શું;

દધિનાં દાણ લેતાં રે, પ્રેમે વળી પ્રીત-શું. 12

વ્હેલાં ઊઠી વનમાં જાતાં રે, ચરાવતાં ગાવડી;

ખોળામાં બેસારતાં અમને રે, જશોદા માવડી. 13

નંદ મને નાનો જાણીને રે, નિત હુલરાવતા;

દૂધમાં સાકર ભેળીને રે, પ્રેમે પીવરાવતા. 14

મીઠાં પે’-પાન કરાવી રે, પ્રેમે પીવરાવતા;

ઘણાં પ્રતાપ એના રે, ભલા મન ભાવતા. 15

કે’જો કે ગમતું નથી રે, મથુરામાં નાથને;

અમારા કુશલ કહેજો રે, વ્રજ સહુ સાથને. 16

મારા વતી જઈને મળજો રે, નંદજી તાતને;

ઘણા પ્રણામ કહેજો રે; જશોદા માતને. 17

શ્રીહરિના મુખનાં વચન રે, ઉદ્ધવ સુણી હરખીયા;

રૂડા રથ, ભાવે જોતરી રે, ઉદ્ધવ ગોકુલ ગયા. 18

નંદજીની શેરીએ પહોંચ્યા રે, ઉદ્ધવ સંધ્યા સમે;

ઉદ્ધવને ભક્ત જાણી રે, સહુ ચરણે નમે. 19

ભલાં ભોજન કરાવી રે, ઓધવ આરોગીયા;

પાન મુખવાસ આપી રે, ભલા મન ભાવીયા. 20

નંદ જશોદા પૂછે રે, ‘ઓધવ હરિ શું કરે?

શામળીયો તો શ્વાસપેં વ્હાલો રે, અમને કેમ વિસરે? 21

ઓધા! હું જાણતી નો’તી રે, મેલી જાશે હરિ;

પ્રભુએ અમજ ઉપર રે નજર કરડી કરી! 22

ઓધા! મેં તો પુત્ર ભાવે રે, કામ લીધાં સહી;

હરિને દામણે બાંધ્યાં રે, ત્યારે હું નવ લહી. 23

સૂતી સ્વપ્ન દેખું રે, ઊભા હરિ આંગણે;

‘મા’ મને માખણ આપો રે, ભૂદર વાણી એમ વદે.’ 24

નંદજીને વાત કરતાં રે, નયણે નીર ઝરે;

જશોદાને વાત કરતાં રે, થાંનોલે દૂધ ઝરે. 25

ઓધવ કહે સાંભળો માતા રે, સાચી કહૂં વારતા;

ઘડી એક ત્રિકમ તમને રે, નથી વિસારતા. 26

વલોણાની રોયણી વાગે રે, વલોવે ભામિની;

ઘેર ઘરે ગીત ગાયે રે, લીલા હરિ નામની. 27

ગોપીને માથે ગોરસ રે, ધન્ય દોવા જતી;

ઘેર ઘેર ગીત ગાયે રે; લીલા હરિ-નામની. 28

એટલે રથ દીઠો રે, વ્રજ વ્યાકુળીએ;

ગોપી ઘર બારણે આવી રે, દીઠો રથ આંગણે. 29

‘મધુપુર ક્યારે મે’લ્યું રે?’ પૂછે વ્રજ ભામિની;

ઓધવ કહે, ‘હમણાં મેલ્યું રે, વીતી એક રજની.’ 30

આણી પેરે એકલા ઓધવ રે, અહીં શીદ આવીઆ?

અમારા પ્રાણ લેવા રે, રથ શીદ લાવીઆ? 31

લગાડી મો’રથી માયા રે, પછી મે’લી ગયા;

હૈયાનો કપટી કાનો રે, જરા આવી દયા. 32

વિધાતા વેરણ મારી રે, છઠ્ઠીમાં શું લખ્યું?

કપાળમાં કૃષ્ણ મંડાવી રે, દુઃખ બીજું લખ્યું. 33

ઓધવ કહે સાંભળો બહેનો રે, સાચી કહું વારતા;

આઠે પહોર ત્રિકમ તમને રે, નથી વિસારતા. 34

પેલે ભવ પૂરણ પૂજ્યા રે, પરમેશ્વર બાઇઓ તમે;

ભવ વર પૂજો રે, તો યે તેવા વર ક્યાંથી? 35

રંગે રત્નાકર સાગર રે, વળી નાહો ગોમતી;

પ્રેમે પ્રયાગ-વડ પૂજો રે, તો યે તેવા વર ક્યાંથી? 36

ગોદાવરી ગંડકી નાહો રે, નર્મદા સરસ્વતી;

હિમાળે હાડ ગાળો રે, તોયે તેવા વર ક્યાંથી? 37

મા’દેવને મસ્તક નમીએ રે, ઉમીઆ પૂજીએ;

વળી વૈકુંઠ વસીએ રે; તો યે તેવા વર ક્યાંથી? 38

રસપ્રદ તથ્યો

(ગીત અપૂર્ણ મળ્યું છે)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 67)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, મનોરમાબહેન ભટ્ટ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966