jogini jamat - Lokgeeto | RekhtaGujarati

જોગીની જમાત

jogini jamat

જોગીની જમાત

આવી રે પેલા જોગીની જમાત,

આવીને ઊતરી રે સામા વડો તળે હો જી રે.

જોગી રે તું તો ઊભલો મારગ મેલ,

ઊભલોને વગાડે રે જોગી તારી રણેઠરી હો જી રે.

જોગી રે હું તો આવીશ તારી સાથ,

તારીને રણેઠણી જોગી મને દલે વસી હો જી રે....જોગી રે.

રાણી રે તું તો રંગ મો’લની રહેનાર,

ઝાંપે ને ઝુંપડી રે રાણી, તને નહિ ગમે હો જી રે....જોગી રે.

બળ્યાં રે મારાં રંગ મ્હોલનાં રહેવાં,

ઝાંપે ને ઝુંપડી રે જોગી મને દલે વસ્યાં હો જી રે....જોગી રે.

રાણી રે તું તો દાળ-ભાતની જમનાર,

માગ્યા રે ટુકડા રે રાણી તને નહિ ગમે રે હો જી રે....જોગી રે.

બળ્યાં રે મારાં દાળ-ભાતનાં જમવાં,

માગ્યાને ટુકડા રે જોગી મને દલે વસ્યા હો જી રે...જોગી રે.

કે રાણી રે તું તો હીરચીરની પે’રનાર,

ભગવેને લૂગડે રે રાણી તને નહિ ગમે હો જી રે....જોગી રે.

બળ્યાં રે મારાં હીર-ચીરનાં પે’રવાં,

ભગવાને લૂગડાં રે જોગી મને દલે વસ્યાં હો જો રે....જોગી રે.

રાણી રે, તું તો ઢોલિયાની ઊંઘનાર,

ભોંયે ને સાથરે રે રાણી તને નહિ ગમે હો જી રે....જોગી રે.

બળ્યાં રે મારાં ઢોલિયેને ઊંઘવા,

ભાંયે ને સાથરે રે જોગી મને દલે વસ્યાં હો જી રે....જોગી રે.

આવી રે પેલા જોગીની જમાત,

આવી ને ઊતરી રે સામા વડો તળે રે હો જી રે....જોગી રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 147)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શંકરભાઈ સોમાભાઈ તડવી અને રેવાબહેન તડવી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957