prbhatne pahor - Lokgeeto | RekhtaGujarati

પ્રભાતને પહોર

prbhatne pahor

પ્રભાતને પહોર

પ્રભાતને પહોર દેવકીજીએ દાતણ માગિયાં રે લોલ.

માગ્યાં, માગ્યાં, વાર બેચાર, સીતાજીએ વચન લોપિયાં

મેડીએથી રામચંદ્ર ઊતર્યા, માતા શું છે અમારો વાંક?

કોણે તમને દુભાવ્યાં? દીકરા નથી તમારો વાંક,

વહુવારુએ વચન લોપિયાં રે..........

ઊઠો મારા નાનેરા લક્ષ્મણવીર, ગંગાને કાંઠે ઘર ચણાવો.

તમારી ભાભીને ત્યાં મૂકી આવો, માતાવચન લોપિયાં.

સ્વામી ક્યો અમારો વાંક? ક્યા વાંકે અમે વન વેઠીએ રે?

ગોરી તમે મારા હૈયાનો હાર, માતાવચન કેમ લોપીએ?

સ્વામી હાર હોય તો હૈડે બંધાય, વહુવારુ હોય તો ઘર વસે.

શ્રી પ્રભાતને પહોર ગંગાબાએ દાતણ માગિયાં.

માગ્યાં વાર બે ચાર, વહુવારુએ વચન લોપિયાં.

વીરને સોનાની ઝારિયું છે હાથ, મેડીથી બળવંતભાઈ ઊતર્યા.

માતા શું અમારો છે વાંક? શા દુઃખે રે તમે દૂબળાં?

દીકરા નથી તમારો વાંક, વહુવારુએ વચન લોપિયાં.

નાનેરા અજીતભાઈ વીર, ગંગાને કાંટે ઘર ચણાવો.

તમારાં ભાભીને ત્યાં મૂકી આવો, માતાવચન લોપિયાં.

સ્વામી ક્યો અમારો વાંક? ક્યા વાંકે અમે વન વેઠીએ રે?

ગોરી તમે મારા હૈયાનો હાર, માતાવચન કેમ લોપીએ?

સ્વામી હાર હોય તો હૈડે બંધાય, વહુવારુ હોય તો ઘર વસે.

પ્રભાતને............

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 147)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જોરાવરસિંહ જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959