rame sitane maryan jo - Lokgeeto | RekhtaGujarati

રામે સીતાને માર્યાં જો

rame sitane maryan jo

રામે સીતાને માર્યાં જો

લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યાં જો!

ફૂલ કેરે દડૂલિયે સીતામાએ વેર વાળ્યાં જો!

રામ! તમારે બોલડીએ હું નદીએ નાળું થઈશ જો!

તમે થશો જો નદીએ નાળું હું ધોબીડો થઇશ જો!

રામ તમારે બોલડીએ હું પરઘેર દળવા જઈશ જો!

તમે જશો જો પરઘેર દળવા, હું ઘંટૂલો થઈશ જો!

રામ તમારે બોલડીએ હું પરઘેર ખાંડવા જઈશ જો!

તમે જશો જો પરઘેર ખાંડવા, હું સાંબેલું થઈશ જો!

રામ તમારે બોલડીએ હું રણની રોઝડી થઈશ જો!

તમે થશો જો રણની રોઝડી, હું સૂડલિયો થઈશ જો!

રામ તમારે બોલડીએ હું જળ-માછલડી થઈશ જો!

તમે થશો જો જળ-માછલડી, હું માછીડો થઈશ જો!

રામ તમારે બોલડીએ હું આકાશ વીજળી થઈશ જો!

તમે થશો જો આકાશ વીજળી, હું મેહુલિયો થઈશ જો!

રામ! તમારે બોલડીએ હું બળીને ઢગલો થઈશ જો!

તમે થશો જો બળીને ઢગલો, હું ભભૂતિયો થઈશ જો!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતનાં લોકગીતો (પૃષ્ઠ ક્રમાંક 133)
  • સંપાદક : ખોડીદાસ પરમાર
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2018
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ