prahladni garbi - Lokgeeto | RekhtaGujarati

પ્રહલાદની ગરબી

prahladni garbi

પ્રહલાદની ગરબી

પ્રથમ પાર્વતીના પુત્ર પાયે નમું રે લોલ.

શુદ્ધબુધ વાણી આપો રૂડી રીતથી રે લોલ.

ગરબી ગાય રે પ્રેલાદજીની પ્રીતથી રે લોલ.

એક સમે અસુરે તપ આદર્યું રે લોલ.

એને ડીલે થયો છે મોટો રાફડો રે લોલ.

એને માથે ઊગ્યો છે બહુ ડાભડો રે લોલ.

એને કાને સુઘરીએ માળો ગુંથીઓ રે લોલ.

એવા શિવજી તેને પરસન થયા રે લોલ.

માગ માગ એહી ત્રુઠમાન હું થયો રે લોલ.

સ્વામી, માગું હું વરદાન એટલું રે લોલ.

મારું મોત નહિ રે ઘરેબારણે રે લોલ.

મારું મોત નહિ રે દિવસ રાતથી રે લોલ.

મારું મોત નહિ રે લોઢે લાકડે રે લોલ.

મારું મોત નહિ રે ડુંગર દેવથી રે લોલ.

મારું મોત નહિ રે પશુ કે જનથી રે લોલ.

ત્યારે પુત્ર પ્રેલાદ એવા જાણવા રે લોલ.

ખડિયો પાટી લઈ નિશાળે મોકલ્યા રે લોલ.

રામનામ બતાવો હવે મુજને રે લોલ.

બીજો અક્ષર નથી મારા કામનો રે લોલ.

ત્યાંથી પંડયાજી હાલી નીકળ્યા રે લોલ.

ત્યાંથી હીરણાકંસ રાજાને કરી વાત રે લોલ.

રામનામ જપે છે કુંવર આપનો રે લોલ.

એમાં વાંક નથી જરીકે માહરો રે લોલ.

ત્યારે હીરણાકંસે પ્રેલાદ બોલાવિયો રે લોલ.

કરો રાજપાટ આનંદે રૂડી રીતથી રે લોલ.

આપનું રાજ નથી રે મારા કામનું રે લોલ.

તારે હીરણાકંસ રાજા કોપિયા રે લોલ.

એને ડુંગરેથી દડતો મેલિયો રે લોલ.

એને ઊંડા તે જળમાં ડુબાવિયો રે લોલ.

એને હાથીને પગે કચરાવિયો રે લોલ.

એને હોળિકાના ખોળે જળાવિયો રે લોલ.

રામે રખવાળી કરીને ઉગારિયો રે લોલ.

અંતે લોઢા કેરો થંભ તો ધગાવિયો રે લોલ.

ભરે બાથ, નકર મારું હવે ખડગથી રે લોલ.

તારો રામ દેખાડ્ય હવે મુજને રે લોલ.

થંભ ધગધગે ને ભડકા બહુ બળે રે લોલ.

રામે સોનેરી કીડિયું ચલાવિયું રે લોલ.

કીડી ભાળી પ્રેલાદને શૂર ચડ્યું રે લોલ.

‘રામ’ બોલીને થંભ ભણી ધોડિયા રે લોલ.

ભરી બાથ ને થંભ ત્યારે ફાટિયો રે લોલ.

થંભ ફાડ્યો ને નરસંગરૂપ પ્રગટિયું રે લોલ.

નરસંગરૂપ તો મહાવિકરાળ છે રે લોલ.

તો હીરણાકંસ કેરો કાળ છે રે લોલ.

દિવસ અઘરિયો ને અરધા બારણે રે લોલ.

એવે સમે મરાણો પાપ કારણે રે લોલ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 187)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ખોડીદાસ પરમાર, શીલાબેન મેરૂભાઈ, જીવીબેન ડોડિયા, રતનબેન વેગડ, જીવીબેન ચૌહાણ, વખતબેન પરમાર)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968